બાયપાસ રોડ બન્યું ‘દિવાસ્વપ્ન’, ઇડરમાંથી પસાર થતા હાઇવે પર સર્જાય છે બે-બે કિલોમીટર લાબું ટ્રાફિક જામ
સાબરકાંઠા: ઇડર શહેરમાં બાયપાસ રોડની માંગ આઝાદીથી આજદિન સુધી અધ્ધ

સાબરકાંઠા: ઇડર શહેરમાં બાયપાસ રોડની માંગ આઝાદીથી આજદિન સુધી અધ્ધરતાલ છે. ઇડર શહેરમાંથી પ્રસાર થતાં સ્ટેટ હાઇવે પર કલાકો સુધી ટ્રાફીક જામ રહે છે. ટ્રાફિકના પગલે ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને વાહનો ફસાતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. પહેલા તો ફક્ત પીક અવર્સમાં ઇડર શહેરમાંથી પસાર થતો રોડ જામ થતો હતો પરંતુ હવે કોઈ પણ પ્રકારના ડાયવર્ઝન વગર રીપેરીંગ કામના કારણે આખો દિવસ રોડ પર ટ્રાફિક જામ રહે છે. માત્ર એક - દોઢ કિલોમીટરનું અંતર કાપવા માટે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે.
કોઈ પણ પ્રકારના ડાયવર્ઝન, સાઈનબોર્ડ, રિફલેક્ટર વગર ઇડર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર રેલવેના બ્રિજનું કામ શરુ કરી દેવાયું છે. જો કે ત્યાં કોઈ સર્વિસ રોડ પર ઉપલબ્ધ નથી અને ટ્રાફિકને દૂર કરવા માટે કોઈ ટ્રાફિક પોઇન્ટ પણ બનાવેલ નથી. જેને કારણે શહેરીજનો અને મુસાફરો ત્રસ્ત થયા છે.
ટ્રાફિક જંકશન બન્યું ઇડર શહેરનો મુખ્ય રોડ
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો રોડ હિંમતનગર - ઇડર - વડાલી - ખેડબ્રહ્મા - અંબાજીને જોડે છે. શહેરીજનો દ્વારા વર્ષોથી માંગણી ચાલી રહી છે કે ઇડર શહેરની આસપાસથી બાયપાસ રોડ બનાવવામાં આવે. શહેરીજનોનું કહેવું છે કે બાયપાસ રોડનું આયોજન ચૂંટણી સમયે અપાતું ‘દિવાસ્વપ્ન’ છે. આ આયોજન મામલે આજદિન સુધી કોઈ કામ થયું હોય તેવું દેખાતું નથી.
બાયપાસ રોડની યોજના કાગળ પર!
ઇડર શહેરમાંથી નેશનલ હાઇવે પસાર થાય છે. જેને લઈને આ હાઇવે પર અંબાજી તરફ જતા વાહનો અને બીજી તરફથી હિંમતનગર - અમદાવાદ તરફ જતા વાહનોની સતત અવર જવર રહે છે. જો કે વર્ષોની માંગણી બાદ પણ ઇડર શહેરમાંથી કે આસપાસના ગામડાઓમાંથી કોઈ બાયપાસ રોડની યોજના બની નથી અને જો બની હોય તો તે કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.








