સુરતમાં BRTS રૂટ ક્રોસ કરતાં માસૂમને બસે લીધો અડફેટે, 6 વર્ષના બાળકના મોતથી પરિવાર શોકમાં ગરક
સુરતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર બીઆરટીએસ રૂટ લોહીયાળ સાબિત થયો હતો

સુરતમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ફરી એકવાર બીઆરટીએસ રૂટ લોહીયાળ સાબિત થયો હતો. અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ રૂટ ક્રોસ કરતાં 6 વર્ષના બાળકને બસ અડફેટે લીધો હતો. જેથી બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બસ ચાલક થઈ ગયો ફરાર
મહાનગરપાલિકા સંચાલિત બસના સતત અકસ્માતો થતાં રહે છે. ત્યારે બી.આર. ટી.બસ કાળમુખી ફરી એકવાર બની હોય તે રીતે શ્રમિક પરિવારના દીકરાને કોળિયો બનાવ્યો હતો. અણુવ્રત દ્વાર નજીક બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના ટોળા એકઠાં થવા લાગ્યા હતાં. જેથી બસને ઘટના સ્થળે જ મૂકીને બસ ચાલક નાસી ગયો હતો. બીજી તરફ અકસ્માતનો વેસુ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સારવાર દરમિયાન મોત
મૃતકના પિતા દીપકએ કહ્યું કે, મારો રૂદ્ર છ વર્ષનો હતો. તે બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહ્યો હતો. એ દરમિયાન બીઆરટીએસ બસ આવીને મારા દીકરાને કચડી નાખ્યો હતો. બસનો ડ્રાઈવર ત્યાં બસ મૂકીને નાસી ગયો હતો. અમે તાત્કાલિક તેને લઈને હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. તબીબોએ ગંભીર હાલત બતાવી હતી. બાદમાં સારવાર ચાલું હતું. પરંતુ અચાનક તેનું મોત થયું હતું. ત્રણ સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે. રૂદ્ર વચેટ હતો.
અગાઉ બે મોત થયા હતાં
અગાઉ કતારગામ નવી જીઆઇડીસી વિસ્તારમાં પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતા બે બીઆરટીએસ બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમાં એક ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ બીજી ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બંને બસોની વચ્ચે કુલ પાંચ જેટલી બાઇક આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં 9 જેટલાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેને તાત્કાલિક જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં બે વ્યક્તિના મોત થયા હતાં. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં.








