Rajkotમાં BRTS બસ ચાલક દારૂ પીને વાહન હંકારતો હોવાનું ખૂલ્યું, ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ
રાજકોટમાં BRTS બસ રૂટ પરથી રેલીંગ તોડી મુખ્ય માર્ગ પર ઘૂસી ગઈ હતી. ડ્રાઇવર દારૂ પીને

રાજકોટમાં BRTS બસ રૂટ પરથી રેલીંગ તોડી મુખ્ય માર્ગ પર ઘૂસી ગઈ હતી. ડ્રાઇવર દારૂ પીને BRTS બસ ચલાવતો હોવાનું તપાસમાં ખૂલતા પોલીસ દ્વારા ડ્રાઈવર પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું સિટી બસ માટે કડક SOP બનાવી છે. અમે કોઈ નબળાઈ ચલાવી નહીં લઈએ. કડક પગલા લેવામાં જ આવશે. જવાબદારી નક્કી કરી એજન્સી કે ડ્રાઈવર જે જવાબદાર હશે તેને દંડ થશે.
કઈ રીતે સર્જાયો અકસ્માત?
BRTS બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી બસે રોડની રેલિંગ તોડી નાખી હતી અને સામેથી આવતી સિટી બસ, એક ખાનગી કાર અને બોલેરો પિકઅપ વાનને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત બરાબર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સામે જ સર્જાયો હતો, જેથી પોલીસ કાફલો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતો.
સદનસીબે જાનહાનિ ટળી
આ અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને મોટું નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કોઈ મુસાફર કે વાહનચાલકને ગંભીર ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે 150 ફૂટ રિંગ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. હાલ પોલીસે ક્રેઈનની મદદથી વાહનોને ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવાની અને બસ ચાલકની બેદરકારી અંગે તપાસ શરૂ કરી હતી.






