માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો, બન્ને દોષિત આરોપીઓને ફટકારાઈ આજીવન કેદ
સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. સાડા ચા

સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. સાડા ચાર મહિના નવરાત્રિ સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
સગીરાની જુબાની મહત્વની સાબિત થઈ
સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્ત્વની સાબિત થઈ છે. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા. બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઈટ કરતાં સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.
આકરી સજા ફટકારાઈ
સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ ત્રણેય આરોપીને દબોચી લેવામાં આવ્યા હતા. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી હતી. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવી હતી. જેના આધારે આજે કોર્ટે બન્ને આરોપીઓને સજા ફટકારી છે.








