રાજકોટ: 9માં ધોરણની વિદ્યાર્થિની સાથે ધોરણ-11ના વિદ્યાર્થીએ કારમાં આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં વેલેન્ટાઈન ડેના દિવસે 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 9મા ધોરણમાં ભણતી વિદ્યાર

રાજકોટમાં વેલેન્ટાઈન ડેના દિવસે 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું કારમાં અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વાલીઓ માટે લાલબત્તી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ભોગ બનનાર તરૂણીની ઉંમર 15 વર્ષની આસપાસ છે, તે ધોરણ-9માં અભ્યાસ કરે છે. તારીખ 12મીના રોજ તે તેની પાંચ વર્ષની નાની બહેન સાથે નજીકના બગીચામાં ગઈ હતી. ત્યારે ત્યાં ધોરણ-11ના વિદ્યાર્થી સાથે તેની આંખ મળી ગઈ હતી.
આરોપીએ તરૂણી સાથે બગીચામાં મિત્રતા કરી
આરોપીએ તેની પાસેથી તેનું સ્નેપ ID માંગ્યું હતું, પરંતુ કિશોરી મોબાઈલ ફોનનો વપરાશ ન કરતી હોવાનું કીધું હતું. બીજા દીવસે એટલે કે 13 તારીખે તરૂણી તેની નાની બહેન સાથે બગીચામાં ગઈ હતી, ત્યારે આરોપી વિદ્યાર્થી ત્યાં આવ્યો હતો. બન્નેએ વાતચીત કરી હતી, તરૂણીએ કીધું કે 14 તારીખે એક મારી બહેનપણીને ત્યાં એક પ્રસંગ છે તો તે તેની બહેનપણીને ત્યાં મહેંદી મુકવા જવાની છે. 14 તારીખે તરૂણીને મહેંદી મૂકાવવા માટે તેના પિતા બાઈક પર તેની બહેનપણીને ત્યાં મૂકીને ગયા હતા.
તરૂણીને ધમકાવીને કારમાં બેસાડી
તરૂણી મહેંદી મૂકાવીને ઘરની બહાર આવી તો તેણે જોયું કે આરોપી વિદ્યાર્થી કાર લઈને ઉભો હતો. તેણે તરૂણીને કારમાં બેસી જવા કહ્યું હતું, પરંતુ તરૂણીએ કહ્યું કે મારા માતા-પિતા રાહ જોઈ રહ્યા છે, તેમ કહીને કારમાં બેસવાની ના પાડી. કારની પાછળની સીટમાં બેઠેલા બે મિત્રોએ તરૂણીને એવી ધમકી આપી કે તેના અફેર વિશે તેને બદનામ કરી નાખશે. આ વાત જાણીને તરૂણી ગભરાઈને કારમાં બેસી ગઈ હતી.
આરોપીએ અન્ય મિત્રોને બહાર મોકલીને તરૂણી સાથે આચર્યું દુષ્કર્મ
આરોપી તેને આલાપ ગ્રીન સિટીની પાછળ આવેલા નાયરાના પેટ્રોલ પંપ પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે કારમાં બેઠેલા બે મિત્રોને નાસ્તો લઈ આવવાના બહાને બહાર મોકલી દીધા બાદ તરૂણી પર કારની પાછળની સીટ પર દુષ્કર્મ આચર્યું હતું.
તરૂણી સમયસર ઘરે નહીં પહોંચતા તેના વાલીઓએ શોધખોળ શરૂ કરી દીધી હતી. આખરે તરૂણી મળી આવી હતી. જ્યારે સમગ્ર હકીકત જણાવી તો તેના માતા-પિતા સ્તબ્ધ થઈ ગયા હતા. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવાનો મક્કમ નિર્ણય કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકમાં તરૂણીની માતાએ પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિદ્યાર્થી અને તેના મિત્રની અટકાયત કરી છે, તો અન્ય વ્યક્તિની શોધખોળ આદરી છે.








