બાંધકામ ઉદ્યોગમાં તેજીથી સુરત પાલિકાને 'રોકડી', 7 મહિનામાં FSI પેટે 742 કરોડની આવક
સુરતના હીરા ઉદ્યોગમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘેરી મંદી જોવા મળી હતી. જો કે

સુરતના હીરા ઉદ્યોગમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘેરી મંદી જોવા મળી હતી. જો કે તેમ છતાં બાંધકામ ઉદ્યોગમાં આ વર્ષે પણ ગત વર્ષ જેમ જ તેજી જોવા મળી છે. મહાપાલિકા દ્વારા પણ પ્લોટ વેલિડેશન મંજૂરીથી લઈને બાંધકામ રજા ચિઠ્ઠી આપવામાં દાખવાયેલી ઝડપી કામગીરીને પગલે વિકાસ તેજ ગતિએ છે. જેથી પાલિકાની તિજોરીમાં આવકનો વધારો દેખાયો છે.
વેલિડેશન અંગેના અભિપ્રાય અપાયા
પાલિકાના ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટરે કહ્યું કે, શહેર વિકાસ ખાતામાં 1 એપ્રિલથી લઈ 24 ઓક્ટોબર સુધીમાં ઇ-નગરની ઓનલાઈન 151 અને મોટા પ્રોજેક્ટોની ઓફલાઈન 125 મળી કુલ 276 બાંધકામ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 277 પ્લાનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્લાન મંજૂરીને પગલે પાલિકાને 742.58 કરોડ આવક થઈ છે. ટી.પી.ખાતા દ્વારા પણ 1072 પ્લોટ વેલીડેશનને મંજૂરી અપાઈ છે તથા 1475ના પ્લોટ વેલિડેશન અંગેના અભિપ્રાયો આપી દેવાયા છે.
ટાર્ગેટ પૂરો થાય તેવી સંભાવના
મહાપાલિકા દ્વારા ચાલુ વર્ષે પેઇડ FSI પેટે રૂપિયા 800 કરોડનો ટાર્ગેટ નક્કી કરાયો હતો. તે એચિવ કરવામાં શહેર વિકાસ વિભાગને સફળતાં મળી છે. રૂપિયા 742.58 કરોડની આવક છ માસ 24 દિવસ દરમિયાન પાલિકાની તિજોરીમાં જમા થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 1072 જેટલા પ્લોટ વેલીડેશન માટે આવેલી અરજીઓને ટાઉન પ્લાનિંગ ખાતાએ મંજૂરી આપવા સાથે પ્લોટ વેલીડેશન સંદર્ભે 1475 અરજીઓના અભિપ્રાયો આપી દેવામાં આવ્યાં છે.








