મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બૂમ બરોડા: સાહિત્ય સાધના માટે યુવાનોએ સજાવ્યું નવતર પ્લેટફોર્મ

૨૨ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રે ૯ કલાકે કળાનાં બહુવિધ ક્ષેત્રો સાથે જોડાયેલ યુવા અને

બૂમ બરોડા: સાહિત્ય સાધના માટે યુવાનોએ સજાવ્યું નવતર પ્લેટફોર્મ

૨૨ માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રે ૯ કલાકે કળાનાં બહુવિધ  ક્ષેત્રો સાથે જોડાયેલ યુવા અને વડીલ સર્જકો તેમજ કલારસિકો દ્વારા વડોદરામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ચર્ચા વિચારણા બાદ વડોદરાના યુવાનોને સાહિત્ય અને કળા ક્ષેત્રે યોગ્ય પ્લૅટફૉર્મ મળી રહે એ હેતુથી 'બૂમ બરોડા' નામથી સંસ્થાની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ વિચારને તરત અમલમાં મૂકીને સંસ્થાની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરવામાં આવી તથા સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ મળે એ માટે જરૂરી નિયમો પણ ઘડવામાં આવ્યા.

સંસ્કારી નગરી વડોદરાના યુવાનોનો સાહિત્ય પ્રત્યેના પ્રેમમાં વધારો થાય, નવોદિત યુવાનોને યોગ્ય તક મળે તેમજ વ્યક્તિગત અને સંસ્થાકીય સ્તરે સાહિત્ય, સંગીત, નાટક, સિનેમા, નૃત્ય જેવાં કળાનાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માંગતા યુવા સર્જકોને યોગ્ય પ્લૅટફૉર્મ મળે એ 'બૂમ બરોડા' નો મુખ્ય હેતુ છે. જે અંતર્ગત યુવા સર્જકોને યોગ્ય માર્ગદર્શન, આવશ્યક પ્રોત્સાહન અને જરૂરી મંચ આપવામાં આવશે.

સ્થાપનાના માત્ર એક જ મહિના કરતાં ય ટૂંકા ગાળામાં 'બૂમ બરોડા' સંસ્થા બે સફળ કાર્યક્રમો યોજી ચૂકી છે:

૧. ૨૭ માર્ચ, ૨૦૨૪ ના રોજ ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ નિમિત્તે ‘બૂમ બરોડા’ અને ‘રોટરી ક્લબ ઑફ સયાજીનગરી વડોદરા’ના સંયુક્ત ઉપક્રમે એક વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં દેવલ શાસ્ત્રી દ્વારા ‘બૂમ બરોડા’ સંસ્થાનો ટૂંકો પરિચય અપાયા બાદ વક્તા હિરેન દેસાઈએ ‘સાહિત્ય, સિનેમા અને નાટક’ જેવા બૃહત વિષયને અનુરૂપ ફિલ્માંતરની પ્રક્રિયા, શિષ્ટ અને લોકપ્રિય સાહિત્યકૃતિ પરથી બનેલી ફિલ્મો તેમજ સાહિત્યકૃતિનું નાટ્યરૂપાંતર જેવા રસપ્રદ મુદ્દાઓને સાંકળીને એમની આગવી શૈલીમાં સાહિત્ય અને સિનેમાનો અનુબંધ દર્શાવતું વક્તવ્ય આપ્યું. 

ત્યાર બાદ જાણીતા કવિ, નાટ્યકાર બ્રિજેશ પંચાલે એમના નાટક ‘સુંદરી : રંગમંચની એક વિરલ ઘટના’નું અત્યંત પ્રભાવક ઢબે વાંચિકમ્ કર્યું. વાંચિકમ્ દરમિયાન જરૂર જણાય ત્યાં ડૉ. રાજેશ ઝાલાના સંગીતનો લય ભળવાથી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહજનક વાતાવરણ સર્જાયું હતું.

૨. ૧૨ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ યજમાન શ્રી દેવલ શાસ્ત્રીના આતિથ્યમાં બૂમ બરોડાની બીજી સફળ બેઠક યોજાઈ. જેમાં વક્તા અશ્વિન ચંદારાણા દ્વારા 'વિદેશી સાહિત્ય' ના વિષય ઉપર સુંદર વકતવ્ય સદૃષ્ટાંત આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભવિષ્યમાં વિદેશી સાહિત્ય જાણવું, વાંચવું અને સમજવું કેવી રીતે એ વિશે છણાવટ કરવામાં આવી. સાથે જ અનુવાદ તથા લેખન કાર્યમાં રિસર્ચ, વ્યાકરણ તથા જોડણીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું.

ત્યારબાદ વડોદરાના અતિથિ એવા સંજય ઉપાધ્યાય કે જેઓ રાજકોટની એક મહત્વની સાહિત્યિક સંસ્થાનો ભાગ છે, એમણે એમના અનુભવો જણાવ્યા. ઘણા સૂચનો પણ આપ્યા. આ બેઠકમાં ફિલ્મ ડિરેક્ટર તથા એક્ટર એવા સત્યેન વર્માએ પણ હાજરી આપી હતી.

'બૂમ બરોડા'ની વિશેષતાઓ:

૧. આ સંસ્થા યુવા સાહિત્યકારો તથા કલારસિકો માટે, યુવાઓ દ્વારા સંચાલિત છે.
૨. સંસ્થાને વડીલ સર્જકો તથા સાહિત્યરસિકો દ્વારા જરૂર મુજબ માર્ગદર્શન તથા પીઠબળ પૂરું પાડવામાં આવે છે.
૩. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરામાં સાહિત્ય તથા કળાનો કોઈ પણ પ્રકારના ધાર્મિક, રાજકીય કે સામાજિક ભેદભાવ વિના વિકાસ કરવાનો છે.
૪. સંસ્થામાં સર્વે મેમ્બર્સ ઉંમર, હોદ્દા, અનુભવ કે સામાજિક/વ્યવસાયિક સ્તરના ભેદભાવ વિના સમાન રૂપે સ્થાન અને આદર પામે છે.
૫. સંસ્થા કોઈ એક વિષયને બંધિત ન રહેતા સાહિત્ય, સંગીત, નાટક, સિનેમા, નૃત્ય જેવા કળાના વિવિધ ક્ષેત્રોને સાંકળે છે.

આ સમાચાર શેર કરો