દાહોદઃ શાળાના કમ્પાઉન્ડમાંથી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો મળ્યો મૃતદેહ, વાલીઓમાં ફફડાટ
રાજ્યના દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્ય

રાજ્યના દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ બાળકી મોડે સુધી ઘરે પહોંચી નહોતી. બાળકી ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા.
SP, LCBની ટીમો હોસ્પિટલ પહોંચી
પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરિવારજનોને બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં SP, LCBની ટીમો હોસ્પિટલ પહોંચી હતી. દિકરીનો મૃતદેહ જોઇને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા
બાળકીનો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ દાહોદની સિવિલમાં ખસેડ્યો
બાળકીનો મૃતદેહ લીમખેડાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદની સિવિલમાં ખસેડ્યો હતો. બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દર્દનાક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી
આ દર્દનાક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. કયા ઇરાદે માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી છે. તેને લઇને પણ ગણગણાટ શરૂ થઇ ગયો છે. આસપાસના વિસ્તારમાં સન્નાટા સાથે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.






