મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કમલમમાં ડાયરી-પેનવાળા યુવા નેતાએ પાર્ટીનું જ કરી નાખ્યું! પ્રચારના રૂપિયા ચાઉં કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયાના ડાયરી-પેનવાળા એક નેતાની ચર્ચાઓ કમલમમાં જોર પકડ્યુ

કમલમમાં ડાયરી-પેનવાળા યુવા નેતાએ પાર્ટીનું જ કરી નાખ્યું! પ્રચારના રૂપિયા ચાઉં કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયાના ડાયરી-પેનવાળા એક નેતાની ચર્ચાઓ કમલમમાં જોર પકડ્યું છે. આ યુવા નેતા પોતાને કદાવર કહી કાર્યકરો પર દમ મારી રહ્યો છે અને તે પોતે  પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલની ખૂબ નજીક અને તેમની સાથે ઘર જેવા સંબંધ હોય તેવી વાત પ્રદેશમાં દરેક નેતા અને કાર્યકર્તાઓને કરી રહ્યો છે. 

પરંતુ તે યુવા નેતા ક્યાં જાણે છે કે લોકસભા ઇલેક્શન વખતે તેણે કરેલા કર્મો પ્રદેશમાં નેતાઓ વચ્ચે ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. બડાઈઓ મારતા આ નેતા સોશિયલ મીડિયામાં અને કમલમમાં થતા કાર્યક્રમો તેમના દ્વારા જ થતા હોવાનો વટ મારી રહ્યો છે. જો કે કેટલાક નેતાઓ સામે તો તે એવા ફાંકા મારી આવ્યા છે કે ‘હું પોતે જ ભાજપની થિન્ક ટેન્ક છું’.

સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, સોશિયલ મીડિયાના આ યુવા નેતાએ લોકસભા ચૂંટણી સમયે સોશિયલ મીડિયા માટે પ્રચાર માટે ભાડે લેવાયેલ સામગ્રી અને સોશિયલ મીડિયાના પ્રોગ્રામોના ખોટા બિલો બજારભાવ કરતા 10 થી 20 ટકા ભાવ વધારે બતાવી કથિત રીતે પાસ કરાવ્યા છે. કાર્યકર્તાઓ અને નેતાઓમાં ચર્ચા તો એવી ચાલી કે એટલા બધા ખોટા બિલો પાસ કરાવ્યા એટલા રૂપિયામાં તો એક લક્ઝરીયસ ગાડી આવી જાય. ભાજપના સોશિયલ મીડિયાના આ યુવા નેતા આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ બનશે તેવી જાતે જ ચર્ચા કાર્યકર્તાઓ સાથે કરી રહ્યો છે.

સૂત્રો તો એ પણ જણાવી રહ્યા છે કે આ યુવા નેતાએ સોશિયલ મીડિયામાં પ્રચાર માટેના લાખોના બિલ પાસ કરાવ્યા પણ ભાજપના જ જિલ્લાના કાર્યકરો કહી રહ્યા છે કે સોશિયલ મીડિયામાં ચૂંટણી પ્રચાર કરવા માટે અમને પક્ષ તરફથી કોઈ પણ પ્રકારની મદદ કે પ્લાનિંગ મળ્યું નહતું. જો કે ચૂંટણી પછી કાર્યકરોએ આ બાબતે કમલમમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે ફાંકાબાજ યુવા નેતા સોશિયલ મીડિયા પ્રચારના નામે લાખો રૂપિયા ચાઉં કરી ગયો છે. એટલું જ નહીં પણ આ યુવા નેતા સોશિયલ મીડિયાના કાર્યક્રમમાં વટ પાડવા માટે થઈ ભાજપના સોશિયલ મીડિયા ટીમના કાર્યકર્તાઓને ‘નેતા’ બનાવશે તેવી લાલચ આપી સાથે રાખીને તેમની પાસે કામો કરાવે છે.

આ સમાચાર શેર કરો