લઠ્ઠાકાંડમાં દારૂ બનાવનાર આરોપી રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ કરશે સઘન પૂછપરછ

ભાવનગર જિલ્લામાં નકલી દારૂકાંડમાં પોલીસે દારૂ બનાવનાર અને કથિત માસ્ટરમાઇન્ડ રઈસની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગૌતમ સોલંકીએ નકલી દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી રઈસને બોલાવ્યો હતો. નકલી દારૂ તૈયાર કરવામાં રઈસની મહત્વની ભૂમિકા હોવાનું પોલીસનું માનવું છે.
રઈસને ઝડપી લીધા બાદ પોલીસે તેની પાસેથી વધુ માહિતી મેળવવા માટે કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે નકલી દારૂકાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેમજ દારૂ બનાવવા માટેની સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી તે અંગે પૂછપરછ જરૂરી છે. કોર્ટ દ્વારા રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે પોલીસની તપાસમાં કૌભાંડને લઈને વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આરોપીઓનો કેસ ન લડવા નિર્ણય
ભાવનગરમાં નકલી દારૂ પીવાથી 8થી વધુ લોકોના મોત નીપજવાના ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં પોલીસે ગતરોજ 21માંથી ઝડપી પાડેલા 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે તમામ 13 આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે ક્રિમિનલ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કરીને આ ગુનામાં સંડોવાયેલા કોઈપણ આરોપીનો કેસ ન લડવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે.
બનાવ અંગે માહિતી આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) મયુરસિંહ ચાવડાએ રીતે સ્વીકાર કર્યો હતો કે આ એક લઠ્ઠાકાંડ છે. તેમણે જણાવ્યું હતું કે, 'આ ઝેરી દારૂ ક્યાંય બહારથી લાવવામાં નહોતો આવ્યો પરંતુ ભાવનગરમાં જ એનું પ્રોડક્શન કરવામાં આવ્યું હતું. દારૂ બનાવવા માટે જરૂરી મિથેનોલ, ઇથેનોલ અને એસેન્સ સહિતના કેમિકલ્સ અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવ્યા હતા. સરખેજના એક ટ્રાન્સપોર્ટર મારફતે આ રો-મટીરિયલ બીજા સ્ટેટમાંથી લાવીને ભાવનગરમાં ડિલિવર કરવામાં આવ્યું હતું.' આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રઈસ છે, જેની મધ્ય પ્રદેશથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે મોટાભાગનો કાચો અને તૈયાર દારૂનો જથ્થો કબજે કરી લીધો છે.'

