VIDEO: Bharuchના સરદાર પ્રતિમા રોડ પર રોંગ સાઈડ આવતાં વાહનોથી અકસ્માત, કાર પલટી મારતાં બે યુવતીઓના મોત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરીમાર્ગ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. રોંગ સાઈડથી અવ્યસ્થિત રીતે આવતા વાહનો જીવ માટે ખતરો બની રહ્યાં છે.ભરૂચ તરફથી રાજપીપળા જઈ રહેલા કારચાલકને ઝઘડિયા નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. સામે તરફથી રોંગ સાઈડ આવતી કારને બચાવવા કારચાલકે પોતાની કાર ડિવાઈડર પર ચઢાવી દીધી, જેના પરિણામે કાર બે-ત્રણ પલટા મારી બાજુના ટ્રેક પર જતી રહી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ મુસાફરોમાંથી બે યુવતીઓનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે બે યુવકો અને એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને હાલ સારવાર હેઠળ ખસેડાયા છે.ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું અને અકસ્માતગ્રસ્ત કારચાલક સામે ગુનો નોંધ્યો છે. જોકે, અકસ્માતના મુખ્ય કારણરૂપ બનેલી રોંગ સાઈડ આવતી અજાણી કારના ચાલક વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.

