VIDEO: Bharuchના આમોદના પુરસા ગામે 14 ફૂટ લાંબો મહાકાય મગર ઝડપાયો, ગામમાં ભયનો માહોલ
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના પુરસા ગામમાં રાત્રિના સમયે એક 14 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતાં ખળભળાટ મચી ગયો હતો. મગર ગામના દક્ષિણ ભાગે રહેતા વિસ્તારના નજીક જોવા મળતાં ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ મહાકાય મગર રાત્રિના અંધારાનો લાભ લઈ ગામની પાછળ વહેતી ઢાઢર નદીમાંથી નિકળી આવતાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હોવાનું મનાય છે. રાહદારીઓ અને સ્થાનિક લોકોની નજરે પડતાં તરત જ જંગલ વિભાગ તથા આમોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં બીટ ઓફિસર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરને સલામત રીતે પકડી લીધો હતો. આ ઢાઢર નદીમાં વારંવાર મગર જોવા મળતા હોવા છતાં યોગ્ય સુરક્ષા અને સાવચેતીના અભાવે ગ્રામજનોમાં અસંતોષ અને ભય વ્યાપી ગયો છે. ખેડૂતો અને સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે નદીના કાંઠે સતર્કતા વધારવામાં આવે અને આવા દુર્ઘટનાઓ અટકાવા પગલાં લેવાય.

