ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ગુજરાત હાઈકોર્ટની કેન્દ્ર-રાજ્ય સરકાર અને ASIને નોટિસ

ભરૂચની જામા મસ્જિદને પ્રાચીન જૈન મંદિર ગણાવવાના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે ભારત સરકાર, ગુજરાત સરકાર અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે. હાઈકોર્ટે ભરૂચ જામા મસ્જિદ વકફને પણ નોટિસ ફટકારી છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ વિવાદમાં પાંચ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારોનો દાવો છે કે ભરૂચની જામા મસ્જિદ તરીકે ઓળખાતું સ્થળ વાસ્તવમાં પ્રાચીન જૈન મંદિર તથા અશ્વબોધ તીર્થ-શકુનિકા વિહાર છે. અરજદારોના આક્ષેપ મુજબ, ASI દ્વારા જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યું છે.
ભોંયરામાંથી જૈન તીર્થંકરની મૂર્તિ મળી હોવાનો દાવો
અરજદારોએ દાવો કર્યો છે કે જૂન 2026માં મસ્જિદના ભોંયરામાંથી જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી હતી. આ દાવાને સમર્થન આપવા માટે અરજદારોએ કોર્ટ સમક્ષ વીડિયો લિંક પણ રજૂ કરી છે.
સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી પણ જામા મસ્જિદના પરિસરમાં જૈન તીર્થંકરની મૂર્તિ મળી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે સ્થળ પર જે સ્ટ્રક્ચર મળી આવ્યું છે, તેને સુરક્ષા આપવાની આવશ્યકતા છે.
મૂર્તિ અને ઐતિહાસિક સ્તંભોને સુરક્ષા આપવાની માગ
અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી છે કે સ્થળ પર મળી આવેલી મૂર્તિ અને ઐતિહાસિક સ્મારકના કેટલાક સ્તંભોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આથી ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા આપવા માટે નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, જૈન સમાજને સ્થળ પર પૂજા કરવાની મંજૂરી આપવા અને જામા મસ્જિદ તરીકેની નોંધ રદ કરવાની માગ પણ અરજદારોએ કરી છે. સ્થળને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે જાહેર કરવા માટે પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.
નમાજ પર પ્રતિબંધ અને પૂજાના અધિકારની માગ
અરજદારોએ વિવાદિત સ્થળ પર નમાજ અદા કરવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ જૈન અને હિન્દુ સમાજને પૂજાનો અધિકાર આપવાની માગ કરી છે. પોતાના દાવાના સમર્થનમાં અરજદારોએ ઐતિહાસિક ગ્રંથો, સ્થાપત્યનાં લક્ષણો અને પ્રાચીન ઇતિહાસનો હવાલો આપ્યો છે.
હાલમાં આ મામલે હાઈકોર્ટ દ્વારા સંબંધિત પક્ષકારો પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. આગામી સુનાવણીમાં પક્ષકારોની રજૂઆતો અને દસ્તાવેજોના આધારે મામલાની વધુ કાર્યવાહી હાથ ધરાશે. જોકે, સ્થળની ઐતિહાસિક ઓળખ અને ધાર્મિક ઉપયોગ અંગેના અરજદારોના દાવાઓ પર અંતિમ નિર્ણય આવવાનો બાકી છે.














