ભાદરવાના ખેડૂતની મિશ્ર પાક પદ્ધતિમાં સફળતા, 3 વીઘામાં પ્રાકૃતિક ખેતીથી લેશે 10 લાખની આવક
ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી દિવસે દિવસે વધી રહી છે. ખેડૂતો આવી ખેતી સાથે મિશ્ર પાક પદ્ધતિથી લાકો રૂપિયાન

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી દિવસે દિવસે વધી રહી છે. ખેડૂતો આવી ખેતી સાથે મિશ્ર પાક પદ્ધતિથી લાકો રૂપિયાની કમાણી લેતા થયા છે. ગુજરાત રાજ્ય જયારે સમૃદ્ધ, સ્વસ્થ અને રાસાયણ મુક્ત ખેતી માટે સતત પ્રયાસશીલ છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામના ખેડૂત દશરથસિંહ મંગલસિંહ ઝાલાએ પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક લાભ મેળવી રહ્યા છે. લગભગ નવ વર્ષ પહેલાં 3 વીઘા જમીનમાં શરૂ કરેલી બહુ-પાક પદ્ધતિ દ્વારા તેમની આવક વધારી રહ્યા છે. આ વર્ષે તેમણે પ્રથમ વખત અમેરિકન મકાઈનું વાવેતર કરીને લગભગ 5 લાખ રૂપિયા કમાવવાની અપેક્ષા રાખી છે. પપૈયા, કેળા, ગલગોટા અને મરચા જેવા અન્ય આંતરપાકો થકી વધારાની પાંચ લાખ રૂપિયાની આવક થશે.
3 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી વાર્ષિક 10 લાખનો નફો
પ્રથમ વખત અમેરિકન મકાઈનું વાવેતર, પાંચ લાખ રૂપિયા કમાવવાની અપેક્ષા
સ્વિટકોર્ન સાથે મરચાં, કેળાં, પપૈયાં, ગલગોટાનો આંતરપાક
ભાદરવાના દશરથસિંહ ઝાલા આમ તો છેલ્લા 22 વર્ષથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. પરંતુ પિતાના મૃત્યુ બાદ ઘરની જવાબદારી સાથે ખેતીની જવાબદારી આવી. પહેલા ખેતીનું ધ્યાન નહોતું અપાયું એટલે વર્ષ 2017 પહેલાં ખેતીમાં નુકસાન અને ખર્ચ વધું થતાં ખેતી કરવાનું માંડી વાળ્યું હતું. પોતાની એકની એક ગાયને વેચી દેવાનું વિચાર્યું હતું. પરંતુ આજે માત્ર 3 વીઘા જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા વાર્ષિક 10 લાખ રૂપિયાની આવક લઈ રહ્યા છે. તેમની ખેતી માત્ર આવકનું સાધન નથી રહી પરંતુ એક ચિંતન, એક સંકલ્પ અને એક સંદેશ બની ગઈ છે.
વર્ષ 2021થી આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયા દશરથસિંહ ઝાલાએ એક સમયે પોતાની એકની એક ગાયને વેચવાનું વિચાર્યું હતું એ માંડી વાળ્યું અને ઉપરથી અન્ય ગાયો પણ લઈ આવ્યા. અત્યારે દશરથસિંહ ઝાલા પાસે 4 ગાયો છે. જેના માટે એક તબેલો બનાવ્યો છે. ગાયોને પાણી પીવા માટે ઓટોમેટિક વોટર સિસ્ટમ મૂકી છે જેથી ગાયોને પાણી આપવામાં સમય વેડફાય નહીં અને ગાયોને જ્યારે પણ પાણી પીવું હોય ત્યારે પી શકે.
બહુપાક પદ્ધતિ અને પંચસ્તરીય ખેતી અંગે ખેડૂત દશરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, મોટાભાગનો ખર્ચ જે પહેલાં ખાતર પાછળ કરવો પડતો હતો એ ખર્ચ હવે 0 ટકા થઈ ગયો છે. પહેલા વર્ષે કેળાંની ખેતી કરી એમાં સફળતા મળ્યા પછી બટાટાની ખેતી કરી જેમાં વર્ષ 2020 માં બટાટાના 50 કિલોના 700 કટ્ટા જેટલો પાક મળ્યો હતો. ત્યાબાદ કેળાંની ખેતી કરી જેમાં દર વર્ષે આવક અને પાક બમણો થતો જાય છે. અગાઉ ખાતર લાવવા અને બિનજરૂરી ઘાસ કાઢવાની મજૂરી એમ લગભગ 50,000 જેટલો ખર્ચ એમનેમ જ થઈ જતો હતો જે હવે બિલકુલ ઓછો થઈ ગયો છે.
વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને બહુ-પાક પદ્ધતિથી પંચસ્તરીય શૈલીની ખેતી કરી રહ્યા છે. નારિયેળ, દાડમ, કેરી, સફરજન, ચિકુ, બેરી અને અંજીર જેવા અન્ય પાકોની સાથે મકાઈ, પપૈયાં, કેળા, ગલગોટા, મરચાંની આંતર-પાક તરીકે ખેતી કરી છે. તથા ખેતરમાં ખેડાણ કરવા માટે સ્વ-ડિઝાઇન કરેલ પાવર ડ્રિલર અને નાના ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ સારા પરિણામો મેળવી રહ્યા છું.
સાવલીમાં તેમની સાથે 11 ખેડૂતોનું ગ્રૂપ છે. જેઓ સાથે મળીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ ગ્રૂપે ભેગા મળીને અત્યાર સુધીમાં લગભગ 150 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ તેમજ એના ફાયદાઓ અંગેની જાણકારી આપીને તેમને પણ આ ખેતી અપનાવવા માટે અપીલ કરીને તાલીમ આપી છે. આવનાર સમયમાં સમગ્ર સાવલી તાલુકાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય એ અમારો સંકલ્પ છે એમ પૂર્ણ આત્મવિશ્વાસથી દશરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું.








