કોર્પોરેશનની ચૂંટણી પહેલાં ભાજપના હોદ્દેદારોને ડર અને સ્થાનિકોમાં અસંતોષ, ચૂંટણી પહેલા સર્જાઈ શકે છે નવા સમીકરણ
રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે ત્યારે ચૂંટણીન

રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે ત્યારે ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં જીત મેળવવા માટે શહેરના અલગ અલગ વોર્ડમાં પ્રમુખોની અને આગેવાનોની અલગ અલગ પદ પર નિમણુંક કરી રહ્યા છે.
જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાજપના જ કાર્યકરો અને હોદ્દેદારોમાં ડર જોવા મળી રહ્યો છે. આ ડરનું કારણ સ્થાનિકોની નારાજગી અને રોષ છે. કુબેરનગર, સૈજપુર વોર્ડ એ એવા વોર્ડ છે કે જ્યાં દલિત, પાટીદાર, ઓબીસી સમાજના લોકો છે, જેમાં સૌથી વધુ દલિત સમાજનું પ્રભુત્વ છે. તેમ છતાં ભાજપ દ્વારા કોઈ આ વોર્ડમાં કોઈ પ્રમુખ બનાવવામાં આવ્યા નથી, જેના કારણે આગામી ચુંટણીમાં ભાજપના કાર્યકરોને આ વિસ્તારમાં નુકસાનનો ભય સતાવી રહ્યો છે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ બધા વોર્ડમાં કોર્પોરેશનને લગતા વધુ કામ થયા નથી જેના કારણે સ્થાનિકોમાં ભાજપ માટે અસંતોષ છે. તેવામાં ભાજપના જ હોદ્દેદારોને ડર છે કે અહીંયા પાટીદાર વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે તો ભાજપને જ કુબેરનગર અને સૈજપુર વોર્ડમાં નુકસાન થઈ શકે છે.
આ મામલે ભાજપ હાઈકમાંડ સુધી રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં હજુ કોઈ સક્રિય વોર્ડ પ્રમુખ મૂકવામાં આવ્યા નથી.
અગાઉ ચૂંટણીમાં ભાજપની 160 બેઠકો પર જીત
2021માં મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપ જીત નોંધાવી હતી. અમદાવાદ શહરની વાત કરીએ તો ભાજપે 31 વોર્ડમાં આખે આખી પેનલ પર કબજો કર્યો હતો. ઉપરાંત શહેરના ચાર વોર્ડમાં ભાજપે વોર્ડ દીઠ ત્રણ-ત્રણ બેઠકો પર જીત મેળવતા કોંગ્રેસનો ભારે રકાસ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીના ઈતિહાસમાં ભાજપે સૌથી વધુ 159 બેઠકો જીતવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192માંથી 159 સીટ જીતી હતી. જ્યારે કોગ્રેસને 25 તથા અન્યને એક બેઠક મળી હતી.








