વાવાઝોડાને પગલે સુરત નજીકના બીચ અઠવાડિયા સુધી સહેલાણીઓ માટે બંધ, માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ
ઉનાળું વેકેશનના છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓને ઘરમાં જ પૂરાઈ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે

ઉનાળું વેકેશનના છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓને ઘરમાં જ પૂરાઈ રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ દુર્ઘટનાને પગલે ફાયર સેફ્ટી વિનાના મોલ અને ગેમઝોન બંધ કરાવાઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઇને સુરત શહેરના બીચ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
સહેલાણીઓને ઘરમાં પૂરાઈ રહેવું પડશે
ભારતીય હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોત દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં સુરતના દરિયા કિનારા પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ 1 જૂનથી 7 જૂન સુધી કરવામાં આવશે. તેથી સાત દિવસ સુધી સુરતનો દરિયા કિનારો લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે.
દરિયાકિનારે સાવધાની રાખવા અપીલ
આ ઉપરાંત જાહેરનામાના પાલનને લઈને દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરીને દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભાંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહત્વની વાત છે કે, છેલ્લા બેથી ચાર દિવસથી સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ અને વેકેશનના માહોલને જોતા વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોની ભીડ દરિયા કિનારાના વિસ્તારમાં એકઠી ન થાય તેમ જ દરિયા કિનારા પર ફરવા ન જાય તેથી લોકોના હિતમાં સુરત શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.








