મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 'બાબુઓ' ભાજપના કોર્પોરેટરને પણ નથી ગાંઠતા, અધિકારીઓની મિલિભગતમાં દબાણ થતા હોવાની રાવ

સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ જ વાત ન માનતા હોવાની ઘટના અવારનવાર સામે આવી

સુરતમાં 'બાબુઓ' ભાજપના કોર્પોરેટરને પણ નથી ગાંઠતા, અધિકારીઓની મિલિભગતમાં દબાણ થતા હોવાની રાવ

સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ જ વાત ન માનતા હોવાની ઘટના અવારનવાર સામે આવી છે. ત્યારે ફરીથી એકવાર ભાજપના એક કોર્પોરેટર પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા. અધિકારીઓની મિલીભગતમાં મનપાની તિજોરીને કરોડોનું નુકસાન થતું હોવાને ફરિયાદ કરી હતી. સાથે જ તાત્કાલિક પગલાં લેવા માગ કરી હતી.

ખાનગી માલિકોના દબાણ

કતારગામ વોર્ડ નંબર સાતના નગર સેવક નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, અધિકારીઓની મિલીભગતથી પાલિકાના રિઝર્વેશન અપલોડ પર ખાનગી માલિકોના દબાણ વધી ગયા છે. કરોડ રૂપિયાની પાલિકાની જમીન પર આડેધડ શેડ બાંધી દેવામાં આવ્યા છે. જેથી વહેલી તકે આ જમીનો ખાલી કરાવવા માગ છે. સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

આડેધડ શેડ ઉભા થયા

નરેન્દ્ર પાંડવએ કહ્યું કે, કતારગામ વિસ્તારમાં નવા ખુલેલા ટીપીમાં પાલિકાના ઘણા પ્લોટ આવેલા છે. આ પ્લોટ પર આડેધડ શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે. આ પતરાના શેડથી તેને ભાડે રાખનાર પણ મુશ્કેલીમાં મુકાય છે. સાથે જ પાલિકાના અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં તેને બાંધવા દેવામાં આવે છે. બાદમાં ડિમોલેશન કરવામાં આવે છે. જેમાં સામાન્ય માણસને સહન કરવું પડે છે. ત્યારે અમે આવું દબાણ જ ન થાય તે માટે રજૂઆત કરી છે. જે દબાણ થયા છે. તે હટાવીને પાલિકાના અલગ અલગ પ્રોજેક્ટ ઉભા કરવા રજૂઆત કરી છે.

આ સમાચાર શેર કરો