થરાદની ખોડા ચેકપોસ્ટ પર પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ, ફરાર ત્રણેય આરોપી ઝડપાયા

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીઓ ઉપર જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર આરોપીઓને થરાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરી છે.
ખોડા ચેક પોસ્ટ પર બેરીકેટ તોડી પોલીસકર્મી પર કાર ચલાવનાર 3 આરોપીની ધરપકડ
દિવાળી તહેવારને લઈને થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની આંતરરાજ્ય ચેક પોસ્ટ ખાતે સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં ખોડા ચેક પોસ્ટ ખાતે થરાદ પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહ્યા હતા, ત્યારે સાંચોર રાજસ્થાન તરફથી આવતી સ્કોર્પિયો કાર શંકાસ્પદ જણાતા પોલીસે કાર રોકવા ઇશારો કર્યો હતો. પરંતુ કારચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ પૂર ઝડપે ચલાવી વાહન ચેકિંગ માટે રાખેલા બેરીકેટ તોડી ફરજ પરના પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો.
આ પછી કારચાલક સહિતના શખસો કારમાંથી નીચે ઉતરીને "આજે તો તમે બચી ગયા તમારા નસીબ સારા છે અને તમે ચેક પોસ્ટ ઉપર ગાડીઓ કેમ ચેક કરો છો" તેમ કહી અપશબ્દ બોલી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને 3 શખસોની ધરપકડ કરી છે. તેમજ ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર અને 3 મોબાઈલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ નામ
હિરેન ઉર્ફે હની સગથાભાઈ રાજપુત (રહે.પીલુડા, થરાદ)
કિરણ બળદેવભાઈ જોષી (રહે.વામી, થરાદ)
પ્રિન્સ પ્રકાશભાઈ જોષી (રહે.વામી, થરાદ)
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલા આરોપી હિરેન ઉર્ફે હની વિરુદ્ધ અગાઉ થરાદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ એક્ટની કલમ 8 સી, 21(બી), 22(બી), 26 મુજબનો ગુનો નોંધાયેલો છે.














