Video: બોરસદમાં વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પ અભિયાન 2047ને સમર્થન આપવા ભવ્ય ધાર્મિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિસરાયા ગામથી વલાસણ ગામ સુધી યોજાયેલી આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો જોડાયા હતા. અંદાજે 22 કિલોમીટરની આ પદયાત્રામાં સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિકસિત ભારતના સંકલ્પને સમર્થન જાહેર કર્યું હતું.
50 ફૂટ ઊંચી નેજા યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર
આ ધાર્મિક પદયાત્રા સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાસ કરીને માતાજીની અંદાજે 50 ફૂટ ઊંચી નેજા યાત્રાનું મુખ્ય આકર્ષણ બની હતી. ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નીકળેલા આ પદયાત્રા સંઘને લઈને બોરસદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નિસરાયા ગામથી વલાસણ ગામ સુધી પ્રથમ વખત આટલા ભવ્ય પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિએ ધાર્મિક વાતાવરણને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક આગેવાન વિજય સિંહ રાજે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનથી લોકોમાં ધાર્મિક ભાવનાની સાથે સામાજિક એકતા અને વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવવાનો મેસેજ પહોંચે છે.










