મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એરપોર્ટ જવા માટે મળશે મેટ્રોનો વિકલ્પ, અમદાવાદમાં 6 કિમીનો નવો રૂટ તૈયાર થશે

એરપોર્ટ જવા માટે મળશે મેટ્રોનો વિકલ્પ, અમદાવાદમાં 6 કિમીનો નવો રૂટ તૈયાર થશે
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદ મેટ્રો ફેઝ-2A હેઠળ કોટેશ્વર રોડથી સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ(SVPI) એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે. આ પ્રોજેક્ટના સિવિલ કન્સ્ટ્રક્શન માટે 859.25 કરોડનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ કોન્ટ્રાક્ટ માટે અંદાજિત ખર્ચ 879.27 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. તેની સરખામણીએ કંપનીએ 2.28% ઓછા ભાવે ટેન્ડર ભર્યું હતું.

અમદાવાદ એરપોર્ટ સુધી દોડશે મેટ્રો

આશરે 6 કિમી લાંબા આ મેટ્રો રૂટમાં 4.97 કિમીનો એલિવેટેડ કોરિડોર અને 1.01 કિમીનો અંડરગ્રાઉન્ડ કોરિડોર બનાવવામાં આવશે. એલિવેટેડ કોરિડોર કોટેશ્વર રોડના છેડાથી અંડરગ્રાઉન્ડ સેક્શનના રેમ્પ સુધી રહેશે. જ્યારે એરપોર્ટ તરફના ભાગમાં અંડરગ્રાઉન્ડ ટનલ અને સ્ટેશન બનાવવામાં આવશે. પ્રોજેક્ટ માટે યુટિલિટી શિફ્ટિંગની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને સિવિલ વર્કનો કોન્ટ્રાક્ટ અપાઈ જતાં આગામી દિવસોમાં ગ્રાઉન્ડ લેવલ પર બાંધકામ શરૂ થવાની શક્યતા છે.

એરપોર્ટ રૂટ પર આશ્રમ રોડથી સરદારનગર સુધી 4 એલિવેટેડ સ્ટેશન

આ રૂટ પર કુલ 5 સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં 4 એલિવેટેડ અને 1 અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે. એલિવેટેડ સેક્શનમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર અને સરદારનગર એમ 4 સ્ટેશન બનશે. જ્યારે તાજ સર્કલથી એરલોર્ટ સુધી ટનલ તૈયાર કરશે. એરપોર્ટ પર એક અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનાવવામાં આવશે. જ્યાંથી સીડી ઉપરાંત લિફ્ટ અને એસકેલેટરની મદદથી પેસેન્જરો સીધા એરપોર્ટ ટર્મિનલ-1 અને ટર્મિનલ-2માં સીધા જઈ શકશે.

અંડરગ્રાઉન્ડ સેક્શનમાં 1.01 કિમી લાંબી ટ્વિન કટ-એન્ડ-કવર ટનલ, રેમ્પ અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ વ્યવસ્થાથી એરપોર્ટ સુધી મેટ્રો પહોંચશે અને હવાઈ મુસાફરી કરતા પેસેન્જરોને જાહેર પરિવહનનો વધુ એક વિકલ્પ મળશે.

સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 2,169 કરોડ રૂપિયા

અમદાવાદ મેટ્રો ફેઝ-2Aના આ એરપોર્ટ કોરિડોરને કેન્દ્રીય કેબિનેટે 10 જૂન, 2026ના રોજ મંજૂરી આપી હતી. સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત પૂર્ણતા ખર્ચ 2,169.04 કરોડ રૂપિયા છે, જેમાં બાંધકામ દરમિયાનના વ્યાજનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 6 કિમીના રૂટ પર 5 સ્ટેશન બનાવવામાં આવશે.

મેટ્રોનું સંચાલિત નેટવર્ક 77.63 કિમી થશે

એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી શરૂ થતાં અમદાવાદ અને ગાંધીનગરના હાલના મેટ્રો નેટવર્કનો વિસ્તાર વધશે. આ કોરિડોર કાર્યરત થયા બાદ બંને શહેરોમાં મેટ્રોનું કુલ સંચાલિત નેટવર્ક 77.63 કિમી થશે. એરપોર્ટ સુધી પહોંચવા માટે રોડ પરિવહન ઉપરાંત મેટ્રોનો વિકલ્પ મળતાં પેસેન્જરોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી શકે છે. સાથે જ એરપોર્ટ તરફના વિસ્તારોમાં રહેનારા લોકો, કર્મચારીઓ અને પ્રવાસીઓ માટે અવરજવર વધુ સરળ બનવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો