Video: વડોદરામાં ૨૮ ઓક્ટોબરે ભાજપની ‘લોકતંત્ર બચાવો’ પદયાત્રા

વડોદરા શહેરમાં આગામી ૨૮ ઓક્ટોબરે ભાજપ દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કથિત ભ્રામક પ્રચાર સામે લોકશાહી અને બંધારણીય સંસ્થાઓમાં જનવિશ્વાસ મજબૂત કરવાના હેતુથી યોજાનારી આ યાત્રાનો પ્રારંભ બપોરે ૩:૩૦ વાગ્યે નવલખી મેદાનથી થશે. આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષરૂપે જોડાશે, ઉપરાંત સાંસદો, ધારાસભ્યો, મેયર અને અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. નવલખી મેદાનથી શરૂ થઈ આ પદયાત્રા કીર્તિસ્તંભ, માર્કેટ ચાર રસ્તા, બંબાખાના, ટાવર ચાર રસ્તા અને કોઠી ચાર રસ્તા થઈને પરત નવલખી મેદાન પહોંચશે. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ તમામ નગરજનોને આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે અપીલ કરી છે.






