અમદાવાદ / મદ્રેસામાં તપાસ કરવા ગયેલા આચાર્ય પર હુમલો, નોંધાઈ ફરિયાદ
અમદાવાદમાં મદ્રેસાની તપાસની કામગીરીમાં આચાર્ય પર હુમલો કરીને માર મરાયાની ઘટના ઘટી છે. આ મામલે પોલીસ

અમદાવાદમાં મદ્રેસાની તપાસની કામગીરીમાં આચાર્ય પર હુમલો કરીને માર મરાયાની ઘટના ઘટી છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારનાં બાળ સંરક્ષણ વિભાગના આદેશ પ્રમાણે દરિયાપુર વિસ્તારમાં મદ્રેસાની તપાસ કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરી તેમને માર મરાયો છે. આ ઘટનામાં ભોગ બનનાર આચાર્યએ દરીયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો : રાજકોટ / ટાંકીમાં પડી જતા 9 મહિનાના બાળકનું મોત
બે આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ
આચાર્ય પર હુમલાની આ ઘટનામાં 2 આરોપીઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે. ફરહાન અને ફૈઝલ નામના બન્ને શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. રાયોટિંગ, લૂંટ, સરકારી કામમાં રૂકાવટ ઉભી કરવી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગામી સમયમાં CCTV ફૂટેજ દ્વારા અન્ય વ્યક્તિઓ જે હુમલામાં સામેલ હતા તેમની શોધખોળ હાથ ધરાશે. પોલીસે પાંચ જેટલા વ્યક્તિઓની ઓળખ કરી છે.
બાળ સંરક્ષણ આયોગના આદેશથી મદ્રેસાઓની તપાસ
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓમાં ભણતા બિનમુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવા અને મદ્રેસાઓનું મેપિંગ કરવા તેમજ મદરેસાઓમાં ભણતા તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલોમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને એ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ દરેક ડીઈઓ- ડીપીઓએ અધિકારીઓની ટીમ બનાવીને મદ્રેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : KUTCH / માંડવી બીચ પર પેરાગ્લાઇડિંગ દરમિયાન પટકાતા એક યુવકનું મોત
ગુજરાતમાં હાલ 1128 મદરેસાઓ કાર્યરત
સરકાર દ્વારા અપાયેલી મદ્રેસાઓની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલી હોય તેવી કુલ 1128 મદરેસાઓ છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં 130 અને અમદાવાદ શહેરમાં 75 સહિત 205 જેટલી મદ્રેસાઓ આવેલી છે.








