મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

GSTV એસ્ટ્રોક્લબ: રાજકોટના જ્યોતિષીએ ભાજપને અસ્પષ્ટ બહુમતની સચોટ આગાહી કરી બતાવી

જીએસટીવી એસ્ટ્રોક્લબ દ્વારા લોકસભા ચૂંટણીની જ્યોતિષીય આગાહી કરવા માટે સ્પર્ધા યોજવામાં

GSTV એસ્ટ્રોક્લબ:  રાજકોટના જ્યોતિષીએ ભાજપને અસ્પષ્ટ બહુમતની સચોટ આગાહી કરી બતાવી

જીએસટીવી એસ્ટ્રોક્લબ દ્વારા લોકસભા ચૂંટણીની જ્યોતિષીય આગાહી કરવા માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં 88 જ્યોતિષીઓએ ભાગ લીધો હતો. તેમાંથી માત્ર નવ જ્યોતિષાચાર્યો એવા હતા, જેમણે ભાજપને અસ્પષ્ટ બહુમત મળશે એવી આગાહી કરી હતી. જ્યોતિષશાસ્ત્ર આમ તો સટિક શાસ્ત્ર છે, પરંતુ જ્યોતિષીઓ માટે આસપાસના પ્રવાહથી અને લાગણીથી બચીને આગાહી કરવાનું કામ ખૂબ અઘરું હોય છે.  રાજકોટના જ્યોતિષીએ આ બાબતમાં સૌથી નજીકની આગાહી કરી બતાવી હતી.

જીએસટીવી એસ્ટ્રોક્લબ દ્વારા યોજવામાં આવેલી સ્પર્ધામાં રાજકોટના જ્યોતિષાચાર્ય વ્રજલાલ મહેતા પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે. તેમણે ભાજપ અને કોંગ્રેસની બેઠકની સૌથી નજીકની આગાહી કરી બતાવી હતી. તેમણે એવી આગાહી કરી હતી કે ભાજપને 268 બેઠક મળશે અને કોંગ્રેસને 102.  ભાવનગરના જ્યોતિષાચાર્ય સુરેશભાઈ માંગુકિયા આ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા થયા છે. તેમણે એવી આગાહી કરેલી કે ભાજપને 225 બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે તેઓ ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના મીડિયા કન્વીનર છે. તેમણે ભાજપને સ્પષ્ટ બહુમત નહીં મળે તેવી આગાહી કરી હતી. જ્યોતિષી તરીકે આગાહી કરતી વખતે તેમણે પોતાની અંગત લાગણીઓને વચ્ચે આવવા દીધી નહોતી. આવું કરવું ખૂબ કઠિન હોય છે.

હિંમતનગરના જ્યોતિષાચાર્ય સુધીરભાઈ પરમાર ત્રીજા ક્રમના વિજેતા જાહેર થયા છે. તેમણે એવી આગાહી કરેલી કે ભાજપને 222 બેઠકો મળશે. ત્રણે વિજેતાઓએ એનડીએની સરકાર બનશે એવી આગાહી કરી હતી, જે હાલ સાચી પડતી દેખાઈ રહી છે. ત્રણે વિજેતાઓનું જીએસટીવી એસ્ટ્રોક્લબ દ્વારા ઇનામ આપીને સન્માન કરવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ.11,000, દ્વિતિય વિજેતાને રૂ.8,000 અને તૃતિય વિજેતાને રૂ.5,000નું ઇનામ આપવામાં આવશે.

એવા પણ કેટલાક સ્પર્ધકો છે, જેમણે ભાજપને વાસ્તવમાં મળેલી 240 બેઠકની એકદમ નજીકની આગાહી કરી હતી, પરંતુ તેમણે કોંગ્રેસને તેનાથી પણ વધારે બેઠકો આપી દીધી હતી અથવા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવી આગાહી કરી હતી. આથી તેમને ગણનામાં લેવામાં આવ્યા નથી. બીજા કેટલાકે કોંગ્રેસને 100 બેઠકની આગાહી કરી હતી, પરંતુ ભાજપને 370 પાર કરાવી દીધી હતી. આથી તેમને પણ ગણતરીમાં લીધા નથી. જે જ્યોતિષીઓએ ભાજપને 270 કરતા ઓછી બેઠકની આગાહી કરી છે, ઉપરાંત એનડીએની સરકાર બનશે તેવી આગાહી કરી છે, તેમાં જેની આગાહી સૌથી નજીકની છે તેવા જ ઉમેદવારને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો