સુરતમાં AAPના કોર્પોરેટરની ધરપકડ, પાર્કિંગના પૈસાની માગણી કરાતા નોંધાઈ હતી ACBમાં ફરિયાદ
સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે

સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેટર વિપુલ સુહાગિયા સામે ACBમાં ફરિયાદ હતી. પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવી છે.
બે કોર્પોરેટર સામે ફરિયાદ થયેલી
મહાનગરપાલિકાના પુણા ગામ વોર્ડના બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સામે એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓએ પે એન્ડ પાર્ક કોન્ટ્રાક્ટર પાસે તેઓએ 10 લાખ રૂપિયાની લાંચ માંગી છે. કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગીયા સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે ફક્ત એટલું જ નહીં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે CCTV ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા ACBને સુપ્રત કર્યા હતા.
11 લાખમાં પતાવટની વાત કરી
પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર છે. 6 માર્ચ, 2024ના રોજ મગોબ ટીપી સ્કીમ નંબર-53માં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં વિપુલ સુહાગીયા અને અન્ય કોર્પોરેટર જીતુ કાછડીયા રાઉન્ડ મારવા માટે આવ્યા હતા. બંને કોર્પોરેટરોએ પાર્કિંગના જ મકાનમાં પાલિકા શાકભાજી માર્કેટના ઓટલા બનાવ્યા હોય અને ત્યાંના લોકો દ્વારા રસોડાનો સામાન મૂકવામાં આવ્યો હોય તેની ફોટો ખેંચી લીધો હતો. તેઓએ ગેરકાયદેસર દબાણની તકરાર ઊભી કરી. ત્યારબાદ તેઓ 11 લાખ રૂપિયામાં મામલો પતાવવાની કરવાની વાત કરી. કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવાની ના પાડવામાં આવી હતી. જેથી, તેઓએ પાલિકાના અધિકારીઓને બોલાવ્યા હતા. અધિકારીની મધ્યસ્થતા બાદ 10 લાખ નક્કી કરાયા હતા અને કોન્ટ્રાક્ટર પાસે અધિકારીએ માફીપત્ર પણ લખાવ્યા હતા. પેમેન્ટ 5 દિવસની અંદર કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, આ અરજી થયા બાદ એન્ટીકરપ્શન બ્યુરોએ ફરિયાદ નોંધીને ધરપકડ હાથ ધરી છે.








