Aravalli/ કોંગ્રેસ નેતા પિતા-પુત્ર પર જીવલેણ હુમલાનો પ્રયાસ, મોડાસાના શીણાવાડ પાસે કાર આંતરી તોડફોડ
અરવલ્લી: જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને કોંગ્રેસ નેતા રેવાભાઈ રાઠોડ તથા તેમના પુત્ર આશુતોષ રાઠોડ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રસ્તો રોકી કારમાં કરી તોડફોડ
ઘટનાની વિગત મુજબ, વરથું ગામના રહેવાસી રેવાભાઈ રાઠોડ અને તેમના પુત્ર આશુતોષ રાઠોડ મેઘરજ તરફથી પોતાની કારમાં આવી રહ્યા હતા. આ દરમિયાન મોડાસાના શીણાવાડ પાસે અજાણ્યા શખ્સોએ તેમની કારને આંતરી હતી. હુમલાખોરોએ કારના કાચ તોડી નાખ્યા હતા અને પિતા-પુત્ર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની મદદ માંગી
અચાનક થયેલા આ હુમલાથી ગભરાયેલા આશુતોષ રાઠોડે તાત્કાલિક 112 નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગી હતી. પોલીસને જાણ થતા જ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પિતા-પુત્ર સુરક્ષિત રીતે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
બીજી વાર હુમલાની ઘટનાથી રોષ
નોંધનીય છે કે, પૂર્વ ચેરમેન રેવાભાઈ રાઠોડ પર આ બીજી વાર હુમલાની ઘટના બની છે. અગાઉ પણ તેમના પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પરિવારમાં સુરક્ષાને લઈ ચિંતા અને સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે કે આ હુમલો અંગત અદાવતમાં થયો છે કે કોઈ રાજકીય કાવતરું છે.

