'કમલ કા ફૂલ, હમારી ભૂલ'ના પોસ્ટર સાથે સુરતમાં ક્ષત્રિય સમાજ આકરા પાણીએ, ક્લેક્ટરને આપ્યું આવેદનપત્ર
લોકસભાની ચૂંટણીના પ્રચારમાં રાજકોટના ઉમેદવાર ભાજપના પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક

લોકસભાની ચૂંટણીના પ્રચારમાં રાજકોટના ઉમેદવાર ભાજપના પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલા નિવેદનના સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે સુરતમાં ક્ષત્રિય આગેવાનો દ્વારા ક્લેક્ટર કચેરીએ રોષપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકરોએ મોદી તુજ સે બૈર નહીં રૂપાલા કી ખૈર નહીંના નારા સાથે દેખાવો યોજ્યાં હતાં. સાથે જ રૂપાલા સામે આકરા પગલાં લેવાની માગ કરવામાં આવી હતી.
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને લઈ ઠેર ઠેર જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજની બે વાર માફી માગ્યા બાદ પણ વિરોધ યથાવત રહ્યો છે. સુરત શહેર અને જિલ્લા સમસ્ત ક્ષત્રિય સમાજ, રાષ્ટ્રીય કરણી સેના અને મહાકાલ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
સુરત જિલ્લાના અધ્યક્ષ શંભુસિંહ દરબારએ કહ્યું કે, પુરૂષોતમ રૂપાલાની ટીકિટ રદ્દ થવાની માગ છે. જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં આંદોલન કરવામાં આવશે. કોઈ નેતાએ આવું ન બોલવું જોઈએ. માફી માગવાથી કશું જ ન થાય તેમને ભૂલનો અહેસાસ થવો જોઈએ. જો રૂપાલાની ટીકિટ રદ્દ ન થાય તો અમે કમલનું ફૂલ અમારી ભૂલ એ સાબિત કરી દઈશું.






