મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ વધુ એક આગાહી, આ જિલ્લાના વાતાવરણમાં આવી શકે છે પલટો

રાજ્યના હવામાન વિભાગે 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ વધુ એક આગાહી, આ જિલ્લાના વાતાવરણમાં આવી શકે છે પલટો

રાજ્યના હવામાન વિભાગે 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ગુજરાત પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન અને એક ટ્રફ સક્રિય  છે. જેથી દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે.

અમદાવાદના વાતાવરણમાં આવ્યો હતો પલટો

સોમવારે બપોરે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અને ખાસ કરીને એસ.જી. હાઈવે પર અચાનક વાતાવરણ પલટાયું હતું અને ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે પવન સાથે આવેલા આ વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ભરબપોરે અંધારપટ અને વરસાદ

બપોરે ૩ વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોતજોતામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ઈસ્કોન, પકવાન અને એસ.જી. હાઈવેના પટ્ટા પર વરસાદનું જોર વધુ હોવાથી અનેક વાહનચાલકોએ ઓવરબ્રિજ નીચે આશરો લેવો પડ્યો હતો. આ અચાનક આવેલા વરસાદમાં અનેક રાહદારીઓ પલળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. અમદાવાદમાં પડેલા આ ઝાપટાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમીમાં રાહત મળી હતી અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ખેડૂતો માટે આ માવઠું ચિંતાનો વિષય બની શકે છે.

આ સમાચાર શેર કરો