ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં વધુ એક આગાહી, ફરી કમોસમી વરસાદ સહન કરવાનો વારો!
એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી

એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના હવામાનમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. એકતરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
40 ડિગ્રીથી વધુ તાપમાન અને ડિસકમ્ફર્ટ કન્ડિશન
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા નથી. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે 18મી એપ્રિલ સુધી લોકોએ ભારે ઉકળાટ અને અસ્વસ્થતાનો સામનો કરવો પડશે.
હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, ઉત્તર પ્રદેશથી મણિપુર અને બિહારથી તમિલનાડુ સુધી વિસ્તરેલા ટ્રફને કારણે હવામાન પ્રણાલી પ્રભાવિત થઈ રહી છે. 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.
આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, 19મી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
20મી એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે.
ખેડૂતોની ચિંતામાં થશે વધારો
ઉનાળાના પાક અને માર્કેટ યાર્ડમાં પડેલી જણસીઓ માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવામાનમાં આવતા આ સતત પલટાને કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.






