અંકલેશ્વર / ગિફ્ટની દુકાનમાંથી ઝડપાયું ગેસ રિફીલિંગ કૌભાંડ, 18 સિલિન્ડર સાથે 1ની ધરપકડ
અંકલેશ્વરના નવા દીવા ગામમાં ગઈકાલે ક્રૂડ ઓયલ ચોરી કરીને સગેવગે કરવાનું કૌભ

અંકલેશ્વરના નવા દીવા ગામમાં ગઈકાલે ક્રૂડ ઓયલ ચોરી કરીને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું, તો આજે LPG ગેસ રિફીલિંગ કૌભાંડ ઝડપાયું છે. આમાં ચોંકાવનારી વાત એ છે કે ગિફ્ટની દુકાનની આડમાં આ ગેસ રિફીલિંગ કૌભાંડ ચાલતું હતું.
અંકલેશ્વરના પીરામણનાકા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે ગીફ્ટની દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને પીરામણનાકા પાસે આવેલ બુરહાની ગિફ્ટની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી.
માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં દુકાનમાંથી 18 નંગ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા. આ સાથે જ ગેસ રિફિલિંગ કરવાના સાધનો પણ પોલીસે કબ્જે કર્યા હતા. પોલીસે વ્હોરાવાડ વિસ્તારમાં રહેતા મુસ્તુફા શબ્બીર અંકલેશ્વરીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






