VIDEO: 12 જૂનની કાળમુખી દુર્ઘટનામાં વૃદ્ધાવસ્થાનો આધાર છીનવાતા અનિલ પટેલ આજે સાવ એકલા
અમદાવાદની 12 જૂનની તે કાળમુખી દુર્ઘટનાને આજે એક વર્ષ પ


અમદાવાદની 12 જૂનની તે કાળમુખી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. પરંતુ અનેક પરિવારો માટે સમય આજે પણ જાણે ત્યાં જ અટકી ગયો છે. નરોડામાં રહેતા અનિલ પટેલ માટે પણ આ એક વર્ષ અસહ્ય પીડા અને યાદો વચ્ચે પસાર થયું છે. પ્લેન દુર્ઘટનામાં વૃદ્ધાવસ્થાનો આધાર છીનવાઈ જતાં આજે પણ તેમની આંખોના આંસુ સુકાયા નથી.
અમદાવાદના નરોડામાં રહેતા અનિલ પટેલના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેઓ પોતાના દીકરા અને વહુના સહારે ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા. વર્ષો પહેલા પત્નીનું અવસાન થયા બાદ દીકરો અને વહુ જ તેમના જીવનનો સૌથી મોટો આધાર હતા. 12 જૂનની એ કાળમુખી પ્લેન દુર્ઘટનાએ તેમની હસતી-રમતી દુનિયા જ ઉજ્જડ કરી નાખી.
અનિલ પટેલનો દીકરો લંડનમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે તેમની વહુએ લંડનમાં અભ્યાસ પૂર્ણ કર્યાને હજુ એક જ વર્ષ થયું હતું. બંનેએ કારકિર્દી અને પરિવાર માટે અનેક સપનાઓ સજાવ્યા હતા. પણએક જ ક્ષણમાં બંનેના મોતના સમાચારે પિતા પર દુઃખનો પહાડ તોડી પાડ્યો. આજે સપનાઓ રોળાઈ ગયા છે અને ઘરના દરેક ખૂણામાં માત્ર તેમની અસહ્ય યાદો જ જીવંત રહી ગઈ છે.
ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે પરંતુ અનિલ પટેલ માટે જાણે સમય હજુ પણ 12 જૂનના એ કાળમુખા દિવસ પર જ અટકી ગયો છે. દીકરા અને વહુની તસવીરો, તેમની વાતો અને તેમની સાથે વિતાવેલી ક્ષણો આજે પણ તેમને સતત યાદ આવે છે. અને દરેક યાદ સાથે આંખો ફરી ભીની થઈ જાય છે. 12 જૂનની આ દુર્ઘટનાએ માત્ર અનેક જીવ જ લીધા નહોતા. પરંતુ અનેક પરિવારોના સપનાઓ, આશાઓ અને ભવિષ્ય પણ છીનવી લીધા હતા.






