પ્રેમસંબંધના વિવાદમાં પિતાએ જ કરી પોતાની દીકરીની હત્યા, આખરે નરાધમની ધરપકડ

પ્રેમસંબંધના વિવાદમાં પિતાએ જ કરી પોતાની દીકરીની હત્યા, આખરે નરાધમની ધરપકડ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામેથી પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રેમસંબંધના વિવાદમાં એક પિતાએ જ પોતાની દીકરીની હત્યા કરી નાખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, મેતપુર ગામમાં રહેતી 21 વર્ષીય યુવતીને ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પુત્રીના આ સંબંધથી પિતા અત્યંત નારાજ હતા. તેમણે દીકરીને વારંવાર સમજાવીને તે યુવક સાથેના સંબંધો કાપી નાખવા માટે દબાણ કર્યું હતું. જોકે, યુવતી પિતાની વાત માનવા તૈયાર નહોતી અને તે છૂપી રીતે યુવક સાથે વાતચીત ચાલુ રાખતી હતી. આ બાબતની જાણ થતાં ગુસ્સે ભરાયેલા પિતાએ દિવાળીની પવિત્ર રાત્રે આશરે 3 વાગ્યે પોતાની જ દીકરીના દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.

જાહેરાત

કુદરતી મોત ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પિતાએ સમગ્ર મામલાને કુદરતી મોત કે આત્મહત્યાનો રંગ આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને ગેરમાર્ગે દોરીને મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, તબીબોને મૃત્યુની આ પ્રક્રિયા શંકાસ્પદ જણાતાં તેમણે ફોરેન્સિક પીએમ કરવાની ભલામણ કરી હતી. ત્યારબાદ મૃતદેહને કરમસદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીનું મૃત્યુ ગળામાં દબાણ આવવાથી એટલે કે 'લિગેચર સ્ટ્રેગ્યુલેશન'ના કારણે શ્વાસ રૂંધાવાથી થયાનું સ્પષ્ટ થયું હતું.

રિપોર્ટ આવતા જ સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આરોપી પિતાની કડક પૂછપરછ કરી હતી, જેમાં તેમણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રેમ પ્રકરણમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મોબાઈલ લૂંટનારને ઝડપવા જતા યુવકનું મોત

અન્ય એક બનાવમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. ઠાસરાના તીનબત્તી વિસ્તારમાં વહેલી સવારે એક અજાણ્યો શખ્સ યુવકના હાથમાંથી મોબાઈલ આંચકીને ફરાર થઈ ગયો હતો. લૂંટારૂને પકડવા માટે યુવકે સ્થાનિક દુકાનદાર સાથે તાત્કાલિક તેનો પીછો કર્યો હતો. દરમિયાન બસ સ્ટેન્ડ પાછળ આવેલી તલાવડી નજીક પહોંચતા યુવક અકસ્માતે ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પોતે તરવાનું ન જાણતો હોવાથી તે તળાવમાં ડૂબી ગયો અને તેનો જીવ ગયો હતો. જેના આધારે ઠાસરા પોલીસે અજાણ્યા ગુનેગાર વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત