સુરતમાં નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ ઘટસ્ફોટ કરે તેવી શક્યતા, ઘર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. જો કે

સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. જો કે, છેલ્લી ઘડીએ ટેકેદારોએ સહી ખોટી હોવાનું કહેતા કુંભાણીનું ફોર્મ રદ્દ થયું હતું. ફોર્મ રદ્દ થયું ત્યારથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયાં છે. થોડા દિવસો અગાઉ નિલેશ કુંભાણીની પત્નીએ ઘરના દરવાજા ખોલ્યા હતાં. ત્યારે આજે નિલેશ કુંભાણી પણ મીડિયા સમક્ષ આવીને ઘટસ્ફોટ કરે તે પ્રકારે આયોજીત કરાયેલી પ્રેસ કોન્ફરન્સ છેલ્લી કલાકોમાં રદ્દ કરવામાં આવી છે. જો કે, કુંભાણીના ઘર બહાર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું
છેલ્લા થોડા દિવસોથી જેની ચર્ચા ચાલી રહી છે તે વિવાદીત નિલેશ કુંભાણી ફરી ધ્યાન ખેંચતા જોવા મળ્યાં છે. આજે નિલેશ કુંભાણી મીડિયા સમક્ષ પ્રગટ થઈને મોટા ઘટસ્ફોટ કરે તે પ્રકારે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતાં. જે અંગેના મેસેજ પણ વહેતા થઈ ગયા હતાં. જો કે, છેલ્લી કલાકોમાં પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હતી. જેના માટે નિલેશ કુંભાણીની તબિયત ખરાબ હોવાનું કહેવામાં આવ્યું હતું.
મોડીરાત્રિથી બંદોબસ્ત ગોઠવાયો
નિલેશ કુંભાણી સુરતમાં હોવાની વાતે તેના ઘર બહાર પોલીસ બંદોબસ્ત રાત્રિના સમયથી ગોઠવી દેવામાં આવ્યો છે. સરથાણા જકાતનાકા ખાતે આવેલા નિલેશ કુંભાણી જે એપાર્ટમેન્ટમાં રહે છે તેની નીચે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ નિલેશ કુંભાણીના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. જેના પગલે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.








