Amreli:જસાધાર રેન્જમાં સિંહના મોતના કેસમાં વન વિભાગે બે આરોપીઓને ઝડપી પાડ્યા
અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારના જસાધાર રેન્જમાં એક નર સિંહના

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારના જસાધાર રેન્જમાં એક નર સિંહના મોતના કેસમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગીરગઢડા તાલુકાના મહોબતપરા ગામ નજીક રાવલ નદીમાંથી 23 ઓગસ્ટ, 2025ના રોજ સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે વન વિભાગે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી
વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ગુપ્ત બાતમીના આધારે વન વિભાગની ટીમે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે, નગડિયા ગામની સીમમાં આવેલી તેમની વાડીમાં મગફળી, કપાસ અને તુવેરના પાકની આસપાસ તારની ફેન્સિંગમાં વીજ પ્રવાહ ચલાવ્યો હતો. આ વીજ પ્રવાહને કારણે 22 ઓગસ્ટ, 2025ના રોજ રાત્રે સિંહનું મોત નીપજ્યું હતું.
આરોપીઓએ વધુમાં જણાવ્યું કે, સિંહના મૃતદેહને ટ્રેક્ટરના સૂપડામાં ભરીને મહોબતપરા ગામ નજીક રાવલ નદીના પુલ પરથી ફેંકી દીધો હતો. વન વિભાગે આરોપીઓને ગીરગઢડા કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડનો આદેશ આપ્યો. આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમના જામીન અરજી નામંજૂર કરીને તેમને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા.
આ ઘટના ગીરના વન્યજીવ સંરક્ષણ માટે ચિંતાનો વિષય બની છે, અને વન વિભાગે આવી ઘટનાઓને રોકવા માટે કડક કાર્યવાહીની ચીમકી આપી છે.





