મોટા સમાચાર / સાબરકાંઠા ભાજપના વિવાદનો ઉકેલ હવે અમિત શાહના હાથમાં, હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યાં
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીએ લઈને સાબરકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબર

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીએ લઈને સાબરકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને બાદમાં ઉમેદવાર બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિવાદ ઉભો થયો હતો અને વિવાદની આ આગ હજી પણ સળગી રહી છે.
ભીખાજી ઠાકોરને ટિકિટ અપાવવા તેમના સમર્થકોએ ખુબ હોબાળા કર્યા, રેલીઓ કાઢી, રાજીનામાં આપ્યાં, કમલમનો પણ ઘેરાવો કર્યો, પણ આમ છતાં ભાજપે શોભનાબેનને જ આગળ કર્યા અને તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો, ઉમેદવારી પણ નોંધાવી દીધી. આમ છતાં સાબરકાંઠા ભાજપમાં હજી પણ ઉકળતા ચરુ જેવી જ સ્થિતિ છે. ભિખાજી ઠાકોરના સમર્થકો સાથે ભાજપના નારાજ નેતાઓ પણ પડદા પાછળ કામ કરી રહ્યાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવે આ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાબરકાંઠાના ભાજપ હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા છે.
અમિત શાહે ગાંધીનગરમાં બોલાવી બેઠક
મળતી માહિતી મુજબ સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના વિવાદનો ઉકેલ લાવવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાબરકાંઠાના ભાજપ હોદ્દેદારોને ગાંધીનગર બોલાવ્યા છે. ગાંધીનગરમાં પથિકાશ્રમ હોટેલ ખાતે આ બેઠક મળવાની છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાબરકાંઠા લોકસભાના હોદેદારો સહિત સંગઠનના નેતાઓ હાજર રહેશે.
30 માર્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાઈ હતી હાઈલેવલ બેઠક
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારનો ભાજપના જ કાર્યકરો દ્વારા થતા વિરોધને ડામવા 30 માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક હાઈલેવલ બેઠક મળી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠનના મંત્રી રત્નાકર સામેલ હતા. આ મિટિંગમાં પ્રદેશ ભાજપ દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના તમામ નેતાઓને પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓને પાર્ટીના પ્રચારમાં કામે લાગી જવા સૂચના આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ દ્વારા ડેમેજ કન્ટ્રોલની સાથે સાથે આ વિરોધમાં પડદા પાછળની ભૂમિકા ભજવનાર સંગઠનના લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી. જિલ્લાના નેતાઓને સૂચના આપવામાં આવી હતી કે, મીડિયામાં કે જાહેર જગ્યાએ કઈ બોલવું નહીં, પક્ષ પોતાનો નિર્ણય કરશે.
શોભનાબેનને ટિકિટ અપાવવામાં પ્રફુલ પટેલની ભૂમિકા?
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી વિરોધ યથાવત છે. હિંમતનગરમાં ભાજપ કાર્યકરોએ પ્રફુલ પટેલના વિરોધમાં નારા લગાવ્યાં હતા.
પ્રફુલ પટેલ રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન છે અને હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા-નગર હવેલી દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક છે.
હિંમતનગરમાં ભાજપ કાર્યાલય ખાતે ભેગા થયેલા ભાજપ કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે પ્રફુલ પટેલે સાબરકાંઠામાં જૂથવાદ ઉભો કર્યો અને આથી જ ભીખાજીને બદલીને શોભનાબેન બારૈયાને ભાજપે ટિકિટ આપી છે.
શોભનાબેન બારૈયા પ્રાંતિજના પૂર્વ કોંગી ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની છે. મહેન્દ્રસિંહ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. આ મહેન્દ્રસિંહ પ્રફુલ પટેલના ચુસ્ત સમર્થક માનવામાં આવે છે.
આથી પ્રફુલ પટેલના ઈશારે ભીખાજીને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હોવાનો આક્ષેપ કરી ભાજપ કાર્યકરોએ ‘પ્રફુલ પટેલ હાય હાય’ના નારા લગાવ્યાં હતા.








