Rajkot: અમિત ખૂંટ આપઘાત મામલો, મૃતકના ભાઈએ જૂનાગઢ જેલ અધિક્ષક પર લગાવ્યા ગંભીર આક્ષેપો
રાજકોટ: રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટના આપઘાત કેસમાં નવ

રાજકોટ: રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટના આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે આ મામલે જૂનાગઢ જિલ્લા જેલના અધિક્ષક દીપક ગોહેલ વિરુદ્ધ રાજ્યના જેલ વડાને ગંભીર આક્ષેપો કરતો પત્ર લખ્યો છે. મનીષ ખૂંટે દાવો કર્યો છે કે, જેલમાં બંધ મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ અધિક્ષક દ્વારા ગેરકાયદેસર સગવડો પૂરી પાડવામાં આવી રહી છે.
મનીષ ખૂંટના પત્રમાં જેલ અધિક્ષક પર ગંભીર આક્ષેપો કરાયેલા છે. જેમાં ગેરકાયદેસર સગવડો આપવાનો આરોપ છે. જેલ અધિક્ષક દીપક ગોહેલ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં ગેરકાયદેસર સગવડો પૂરી પાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
મોબાઇલ ફોનની સગવડ: અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાં મોબાઇલ ફોનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
ગુજસીટોકના આરોપીઓ સાથે મુલાકાત: પત્રમાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં ગુજસીટોકના આરોપીઓ મળી રહ્યા છે. જેમાં યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા (જામનગર) અને સોયબ નાગોરી સહિતના શખ્સોનો સમાવેશ થાય છે.
જૂનો રેકોર્ડ: મનીષ ખૂંટે આક્ષેપ કર્યો કે વર્ષ 2018 માં પણ જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં બંધ હતા, ત્યારે પણ તેઓ જેલમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હતા.
પરિવાર પર હુમલાની ભીતિ અને પુરાવા સાથે ચેડાં
મનીષ ખૂંટે પત્રમાં ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં રહીને પણ બહારની પ્રવૃત્તિઓ ચલાવી શકે છે. મનીષ ખૂંટને ડર છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં બંધ રહીને અમિત ખૂંટના પરિવાર ઉપર હુમલો પણ કરાવી શકે છે. આ ઉપરાંત, અમિત ખૂંટના આપઘાત કેસમાં પુરાવા સાથે છેડછાડ થવાની પણ પૂરેપૂરી સંભાવના છે.
અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે આ ગંભીર આક્ષેપો બાદ રાજ્યના જેલના વડાને તાત્કાલિક આ મામલે દરમિયાનગીરી કરીને તપાસ કરવા અને અનિરુદ્ધસિંહ જાડેજાને પૂરી પાડવામાં આવતી ગેરકાયદેસર સગવડો બંધ કરાવવા માંગ કરી છે.








