મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની 'કેસરિયો' છોડી કોંગ્રેસમાં ઘરવાપસી
ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આવતી કાલે (17 ઓક્ટોબર) જ્યારે રાજ્યના મંત્રી

ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. આવતી કાલે (17 ઓક્ટોબર) જ્યારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. એવામાં ડાંગ જિલ્લા ભાજપમાં ભંગાણ થતું જોવા મળી રહ્યું છે. ભાજપમાંથી બે નેતાઓએ ભાજપમાંથી છેડો ફાડી દીધો છે. જેમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મંગળ ગાવિતનો સમાવેશ થાય છે.
ભાજપમાં ભંગાણ
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના આહ્વા તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય નેતા દીપક પીંપળેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ કિશોર ગાવિતને લેખિતમાં પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. દીપક પીંપળે છેલ્લા 25 વર્ષથી ભાજપમાં હતા. તેમણે આહ્વા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. જોકે, હવે તેમણે અચાનક પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે.
જૂથવાદનો આરોપ
દીપક પીંપળેના રાજીનામાં પાછળનું કારણ ભાજપના જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. શિસ્તમય ગણાતી પાર્ટીના નેતાએ આરોપ લગાવ્યો કે, પાર્ટીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જોકે, હવે તે ભાજપ મૂકીને કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે.
ડાંગના જ ભાજપ નેતા મંગળ ગાવિતે પણ ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. નોંધનીય છે કે, 2020માં એટલે કે, ફક્ત 5 વર્ષ પહેલાં જ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપમાંથી પેટા ચૂંટણી માટે ટિકિટ માંગી હતી. જોકે, ભાજપે મંગળ ગાવિતને ત્યારે ટિકિટ આપી નહતી. હવે પાંચ વર્ષ બાદ ભાજપમાંથી છેડો ફાડી ફરી કોંગ્રેસમાં જોડાયા છે. એવામાં રાજકીય વર્તુળોમાં ગાવિતના ટૂંક સમયમાં ભાજપમાંથી થયેલા મોહભંગની ચર્ચાએ વેગ પકડ્યું છે






