અમદાવાદ : AMC ભરતી કૌભાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ, પુલકીત સથવારા અંગે થયા મોટા ખુલાસા
અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે કારંજ પોલીસે વધુ ત્રણ આર

અમદાવાદ મહાનગરપાલિકામાં સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પ્રક્રિયામાં થયેલા ગોટાળા મામલે કારંજ પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. કારંજ પોલીસે નોકરી મેળવનાર મહિલા ઉમેદવાર મોનલ લિંબાચિયા, ઉમેદવાર જય પટેલ અને જયના પિતા અશોકભાઈ પટેલની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપી પુલકીતે 95 લાખની રકમ ઉછીની લીધી હતી
આરોપીની ધરપકડ થયા બાદ કેટલાક મહત્વના અને મોટા ખુલાસા થયા છે. આ કૌભાંડના મુખ્ય આરોપી પુલકીત સથવારાએ અન્ય મિત્રો સાથે ભાગીદારીમાં નળસરોવરમાં ફીશીંગનો ધંધો શરૂ કર્યો હતો. આ ધંધો શરૂ કરવા માટે પોતાના મિત્રો અને પરિજનો પાસેથી રૂપિયા 95 લાખની રકમ ઉછીની લીધી હતી. જોકે આ ધંધામાં અપેક્ષા મુજબ સફળતા ન મળવાના કારણે તેને ગુમાવેલ રકમ સરભર કરવા માટે ફિરાકમાં હતો.
પુલકીતે કુલ ચાર લોકો પાસેથી રૂપિયા 17 લાખની રકમ માર્ક સુધારવા માટે વસુલી
આ દરમિયાન જ કોર્પોરેશનની ભરતી પ્રક્રિયામાં ગરબડ કરવાનું વિચારી પૈસા પડાવવાનો પ્લાન કર્યો હતો. જેથી આરોપી પુલકીતે કુલ ચાર લોકો પાસેથી રૂપિયા 17 લાખની રકમ માર્ક સુધારવા માટે વસુલી હતી. આરોપી પુલકિતે જે ચાર લોકો પાસે પૈસા લીધા હતા તે પૈકી મૃગેશ અને તમન્ના બંને ભાઈ બહેન છે.
પુલકીત સથવારા તમન્ના અને મૃગેશના પિતા દિનેશ પટેલ પાસેથી રૂપિયા 7 લાખ લેવાનો હતો
બીજી તરફ પુલકીત સથવારા મોનલ લીમ્બાચીયાના સસરાના પણ સંર્પકમાં હતો, જેઓ અગાઉ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા હતા. પુલકીતે મોનલ ના સસરા પ્રકાશ પાસેથી પણ માર્ક સુધારવા માટે પૈસા લીધા.
અન્ય એક આરોપી જયની માતા અને પુલકિતની પત્ની બંને મિત્ર હતા. અવારનવાર જયની માતા પુલકિતની પત્ની સાથે પોતાના દીકરાને સરકારી નોકરી મળી જાય તે માટેની વાત કરતી હતી. જેથી તેનો લાભ લઈને પુલકિતે પોતાની પત્ની મારફતે જયના પરિવારજનોનો સંપર્ક કરી માર્ક સુધારવા માટે પૈસા પડાવ્યા હતાં.
કારંજ પોલીસે નોકરી મેળવનાર મહિલા ઉમેદવાર મોનલ લિંબાચિયા, ઉમેદવાર જય પટેલ અને જયના પિતા અશોકભાઈ પટેલની ધરપકડ કરી છે.
આરોપીની ધરપકડ બાદ તમામ બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા
પોલીસે કરેલ અત્યાર સુધીની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મુખ્ય આરોપી પુલકીત પરિચયમાં હોય એવા જ લોકોને નોકરી માટે પૈસા પડાવી કૌભાંડ આચરવાનું કામ કરતો હતો જેથી કરીને અન્ય કોઈને ખબર ન પડે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ તેના તમામ બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરી દીધા છે.
પુલકીતે 4 ઉમેદવારોના માર્ક સુધાર્યા હતા
અમદાવાદ મહાનગરપાલિકામાં 18 ઓગસ્ટ 2024ના રોજ સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 5000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું આયોજન કરનાર ગુજરાત યુનિવર્સિટીએ પરિણામનો ડેટા કોર્પોરેશનને સોંપ્યો હતો, જેમાં મુખ્ય કોઓર્ડીનેટર તરીકે કોર્પોરેશન તરફથી પુલકીત સથવારા કામગીરી સંભાળતો હતો. યુનિવર્સિટીએ 5000 ઉમેદવારોનું પરિણામ આપ્યા બાદ પુલકીતે પોતાની રીતે જ ચાર ઉમેદવારોના માર્ક બારોબાર સુધાર્યા હતા. જોકે તેણે આ રીતે ટેક્નીકલ સહાયક સુપરવાઈઝર લાઈટની ભરતીમાં પણ મૃગેશ પટેલ નામનાં ઉમેદવારનાં માર્કસ વધાર્યા હોય જેને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે.








