મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી, તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ

તસવીર: GSTV

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઇમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે, તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઇ છે. 

પોલીસની વિવિધ ટીમોનો ખડકલો

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે.  તો બીજી તરફ  બોમ્બની ધમકી મળતા જ હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

સવારે 9 વાગ્યે બેઠક પહેલા ધમકી

આજે સવારે 9 વાગ્યે વિધાનસભાની બેઠક યોજાવાની હતી. તો બીજી તરફ 9 વાગ્યે  મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી છે. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ મંત્રીઓ,  ધારાસભ્યો,અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું.

 મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો

હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.આ ઘટના બાદ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ છે. તો બીજી તરફ આ પહેલા ગુજરાતની વિવિધ સ્કૂલો, કોલેજ, પાસપોર્ટ ઓફિસો,પોસ્ટ ઓફિસ, કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે, તે દિશામાં પણ પોલીસ સાયબર ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો