મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujaratમાં ગર્ભવતી મહિલાઓમાં વધ્યું એઈડ્સનું સંક્રમણ, જાણો 5 વર્ષમાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાઇરસ (એચઆઇવી) વાઇરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિ

Gujaratમાં ગર્ભવતી મહિલાઓમાં વધ્યું એઈડ્સનું સંક્રમણ, જાણો 5 વર્ષમાં કેટલા કેસ નોંધાયા

ગુજરાતમાં હ્યુમન ઈમ્યુનોડેફિસિએન્સી વાઇરસ (એચઆઇવી) વાઇરસથી સંક્રમિત એક્વાયર્ડ ઈમ્યુનોડેફિસિએન્સી સિન્ડ્રોમ (એઇડ્‌સ)ના 90 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા પાંચ વર્ષમાં 74.72 લાખ ગર્ભવતી મહિલાઓના એચઆઇવી ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 2473 મહિલાઓ એઇડ્‌સ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. 

ગુજરાતમાં 5 વર્ષમાં 2473 ગર્ભવતી મહિલાઓને એઇડ્‌સ : ચિંતાજનક વધારો

વિશ્વના તમામ લોકોમાં એચઆઇવી-એઇડ્‌સ  વિશે જાગૃતિ આવે તે હેતુસર  'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન' દ્વારા દર વર્ષે 1 ડિસેમ્બરની ઉજવણી 'વિશ્વ એઇડ્‌સ દિવસ' તરીકે કરવામાં આવે છે. આજના આઘુનિક યુગમાં એચઆઇવી ક્રોનિક મેનેજેબલ ડિસિઝ એટલે કે નિયમિત દવા લેવાથી નિયંત્રણમાં રાખી શકાય તેવો રોગ છે. દરેક એચઆઇવી પોઝિટિવ વ્યક્તિ નિયમિત દવા લઈને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીને કુદરતી આયુષ્ય મુજબ જીવન જીવી શકે છે. 

ગુજરાતમાં એઇડ્‌સનું પ્રમાણ 0.18 ટકા નોંધાયું

ગુજરાતમાં પાંચ વર્ષમાં 2473 ગર્ભવતી મહિલાઓ એઇડ્‌સ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ગર્ભવતી મહિલાઓ એચઆઇવી પોઝિટિવ હોય તો તેમના સંતાનમાં તેનું સંક્રમણ થાય નહીં તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. ગુજરાત સ્ટેટ એઇડ્‌સ કન્ટ્રોલ સોસાયટી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં એઇડ્‌સનો પ્રિવેલન્સ રેટ 0.20 ટકા  અને ગુજરાતમાં 0.18 ટકા છે.

એઇડ્‌સના કેસને મામલે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર હાઇ પ્રાયોરિટી હેઠળ

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર એમ 6 જિલ્લાને હાઇ પ્રાયોરિટી હેઠળ મૂકવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં 261 આઇ.સી.ટી.સી. અને 2466 એફ.આઇ.સી.ટી.સી.માં એચઆઇવીની નિઃશુલ્ક પરામર્શ અને તપાસની સુવિધા ઉપલબ્ધ છે. ગુજરાતમાં 88 એન.જી.ઓ. દ્વારા સમગ્ર રાજ્યની જોખમી જાતિય વર્તણૂક ધરાવતી વ્યક્તિઓને કાઉન્સિલિંગ, કોન્ડોમ વિતરણ, વર્તન પરિવર્તનનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 

ગુજરાતમાં એચઆઈવી પોઝિટિવ દર્દીઓ

વર્ષ પુરુષ મહિલા  ટ્રાન્સજેન્ડર કુલ
2019-20 42,238 28,965 301 71,499
2020-21 42,228 29,191 292 71,911
2021-22 43,848 30,300 309 74,457
2022-23 46,850 32,216 358 79,924
2023-24 50,000 34,156 381 84,537

ભારતમાં એઇડ્‌સના 26 લાખથી વઘુ દર્દી

વિશ્વમાં એચઆઇવીનો પ્રથમ કેસ વર્ષ 1981માં અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાયો હતો. ભારતમાં પ્રથમ કેસ વર્ષ 1986માં ચેન્નાઇ તેમજ ગુજરાતના સુરત ખાતે નોંધાયો હતો.  વિશ્વમાં અંદાજિત 3.99 કરોડ, ભારતમાં અંદાજિત 25.44 લાખ  લોકો એચઆઇવી સંક્રમણ સાથે જીવન જીવી રહ્યા છે.

ગુજરાતમાં ગર્ભવતી મહિલાઓમાં એઈડ્સના કેસ 

વર્ષ                   ટેસ્ટ    એચઆઈવી પોઝિટિવ
2019-20           15,98,736              549
2020-21            13,47,836              418
2021-22             13,44,671              425
2022-23             15,48,983              518
2023-24              16,32,599               563
કુલ              74,72,825              2473

આ રીતે એઇડ્‌સ ફેલાતો નથી

એક જ કાર્યસ્થળો પર સાથે કાર્ય કરવાથી, એક જ સ્વિમીંગ પુલનો ઉપયોગ કરવાથી, સાથે બેસીને ભોજન લેવાથી, એકબીજાના કપડા પહેરવાથી, મચ્છર કરડવાથી, એક જ ઘરમાં સાથે રહેવાથી, ભેટવાથી, હાથ મિલાવવાથી કે સ્પર્શ કરવાથી ફેલાતો નથી. 

એઇડ્‌સ કઇ કારણોથી થઇ શકે? 

અસુરક્ષિત યૌન સંબંધ(નિરોધ વિના જાતીય સંબંધ). તપાસ કરવામાં આવ્યું ન હોય તેવું અસુરક્ષિત રક્ત ચડાવવાથી. અસુરક્ષિત સોય-સીરીંજનો ઉપયોગ કરવાથી. એચઆઇવી સંક્રમિત સગર્ભા માતા દ્વારા તેના આવનાર બાળક. 

આ સમાચાર શેર કરો