Ahmedabad Plane Crash: ઇતિહાસ બની જશે'AI 171'! એર ઈન્ડિયાએ ફ્લાઇટ નંબર હંમેશા માટે હટાવ્યો
એર ઈન્ડિયા અને તેની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. હવે પછી ફ્લાઇ

એર ઈન્ડિયા અને તેની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. હવે પછી ફ્લાઇટ નંબર 171 નો ઉપયોગ નહીં કરવામાં આવે. આ નિર્ણય અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવંત બચી છે. જ્યારે 241 યાત્રીઓના મોત થયા છે. જે છેલ્લા કેટલાંક વર્ષોની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.
ફ્લાઇટ નંબર હટાવવાનું કારણ
હવાઈ ઉદ્યોગમાં સામાન્ય રીતે ભયાનક વિમાન દુર્ઘટના પછી સંબંધિત ફ્લાઇટ નંબર હટાવી દેવામાં આવે છે. એક સૂત્રે જણાવ્યું કે હવે 17 જૂનથી અમદાવાદ-લંડન (ગેટવિક) વચ્ચેની ફ્લાઇટનો નંબર AI-171 બદલે AI-159 રહેશે. બુકિંગ સિસ્ટમમાં જરૂરી ફેરફાર શુક્રવારે કરાઈ ગયા છે.
IX 171 પણ હટાવાશે
બીજા સૂત્રે જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસે પણ પોતાનો ફ્લાઇટ નંબર IX-171 હટાવવાનો નિર્ણય કર્યો છે. તેમને જણાવ્યું કે ફ્લાઇટ નંબર '171' બંધ કરવો એ મૃત આત્માઓ પ્રત્યે શ્રદ્ધાંજલિ છે. આ અગાઉ 2020માં કોઝીકોડમાં થયેલા વિમાન દુર્ઘટના પછી પણ એર ઈન્ડિયા એક્સપ્રેસે સંબંધિત ફ્લાઇટ નંબર હંમેશા માટે બંધ કરી દીધો હતો. એ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા હતા. હવાઈ મુસાફરીના ઇતિહાસમાં 'AI 171' હવે એક ભયાનક યાદગાર ઘટના બની રહી છે. તેને હટાવવાનો નિર્ણય માત્ર તકેદારી માટે નહીં, પણ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાના પ્રયાસ રૂપે લેવામાં આવ્યો છે.








