તમારા ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઈન્ટ્સ છે..." કહી અમદાવાદમાં સાયબર ગઠિયાએ એક ફાઈલ ડાઉનલોડ કરાવી લૂંટી લીધા 1.89 લાખ રૂપિયા

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરિવારને ક્રેડિટ કાર્ડના રૂપિયા 9,500ના રિવોર્ડ પોઈન્ટ્સ રોકડમાં રિડીમ કરાવવાની લાલચ આપી સાયબર ગઠિયાએ વોટ્સએપ મારફતે બનાવટી APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી લીધો હતો. ત્યારબાદ ગઠિયાએ વાતચીત ચાલુ રાખીને જ તેમના બે અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે-ટુકડે કુલ રૂપિયા 1.89 લાખની રકમ ઉપાડી લઈને છેતરપિંડી આચરી હતી. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
'ક્રેડિટ કાર્ડમાં 12,598 રિવોર્ડ પોઈન્ટ્સ જમા છે'
અમરાઈવાડી ખાતે જયયોગેશ્વર રો-હાઉસમાં રહેતા અને ઘરકામ કરતા સરોજબેન પટેલ (ઉંમર વર્ષ 46)ના પતિ તુષારકુમાર પટેલ રખિયાલ ખાતે ખાનગી પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરે છે. ગત 7 સપ્ટેમ્બરના રોજ સાંજના છ વાગ્યા આસપાસ તુષારભાઈ નોકરી પર હાજર હતા ત્યારે તેમના નંબર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે હિન્દીમાં વાત કરી પોતે એક્સિસ બેંકમાંથી કરણભાઈ બોલે છે તેવી ઓળખ આપી હતી. તેણે તુષારભાઈને વિશ્વાસમાં લેતાં જણાવ્યું હતું કે, 'તમારો સિબિલ સ્કોર સારો છે અને ક્રેડિટ કાર્ડમાં 12,598 રિવોર્ડ પોઈન્ટ્સ જમા છે, જેના બદલામાં તમને રોકડા રૂપિયા 9,500 મળી શકે તેમ છે.'
લિન્કમાંથી apk ડાઉનલોડ કરતાં જ ફોન હેક થઈ ગયો
આ રિવોર્ડ પોઈન્ટ્સ મેળવવા માટે ગઠિયાએ તુષારભાઈના વોટ્સએપ પર એક લિંક મોકલી હતી અને એક્સિસ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. તુષારભાઈએ વોટ્સએપ પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરીને ફોનમાં ઇન્સ્ટોલ કરતાં જ તેમનો વનપ્લસ કંપનીનો ફોન હેક થઈ ગયો હતો. ત્યારબાદ તરત જ અન્ય અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. વાતચીત ચાલુ હતી તે દરમિયાન જ તેમની પત્નીના એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 80 હજાર અને રૂપિયા 60 હજાર મળી કુલ રૂપિયા 1.40 લાખ ડેબિટ થયાનો મેસેજ આવ્યો હતો.
સાયબર હેલ્પલાઈન 1930 પર નોંધાવી ફરિયાદ
તુષારભાઈએ પૈસા કેમ કપાયા તે અંગે પૂછતાં સામેવાળાએ થોડીવારમાં પૈસા પાછા આવી જશે તેમ કહી તેમને વાતોમાં પરોવી રાખ્યા હતા. આ દરમિયાન તેમના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડમાંથી પણ વધુ રૂપિયા 49,998 ડેબિટ થઈ ગયા હતા. તુષારભાઈએ પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપતાં જ સાયબર ઠગે કોલ કટ કરી દીધો હતો. આ સમગ્ર મામલે દંપતીએ સૌપ્રથમ સાયબર હેલ્પલાઈન 1930 પર અરજી કર્યા બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

