ઘર ખરીદતા પહેલા બિલ્ડરની કુંડળી જાણી શકશો! ગુજરેરાએ શરૂ કર્યું નવું ફીચર, મળશે ફરિયાદોથી દંડ સુધીની વિગતો

ઘર ખરીદતા પહેલા બિલ્ડરની કુંડળી જાણી શકશો! ગુજરેરાએ શરૂ કર્યું નવું ફીચર, મળશે ફરિયાદોથી દંડ સુધીની વિગતો
તસવીર: AI
આ સમાચાર સાંભળો

રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન ખરીદદારોના અધિકારોનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા - GujRERA) દ્વારા તેની સત્તાવાર વેબસાઇટ www.gujrera.gujarat.gov.in પર 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' (Promoters' Track Record) નામનો એક નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આ નવી સુવિધાથી હવે કોઈ પણ નાગરિક ઘર કે મિલકત ખરીદતા પહેલા બિલ્ડરનો અગાઉનો ઇતિહાસ અને કામગીરી સરળતાથી જાણી શકશે. 

લોગ-ઇન વગર ૧૭,૦૦૦થી વધુ પ્રોજેક્ટ્સની માહિતી

જાહેરાત

ગુજરેરાનું આ પોર્ટલ જાહેર માહિતી માટેનું એક અત્યંત મહત્ત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. આ વેબસાઇટ પર નાગરિકો મોબાઈલ અથવા કમ્પ્યુટર પર કોઈ પણ પ્રકારના લોગ-ઇન કર્યા વિના રાજ્યના ૧૭,૦૦૦થી વધુ રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની વિગતો મેળવી શકે છે. 

યુઝર્સ હોમપેજ પર આપેલા સર્ચ બારમાં પ્રોજેક્ટનું નામ અથવા 'રેરા રજિસ્ટ્રેશન નંબર' નાખીને કોઈ પણ પ્રોજેક્ટ શોધી શકે છે. પ્રોજેક્ટ પેજ ખોલતાની સાથે જ નીચે મુજબની તમામ વિગતો ઉપલબ્ધ થાય છે:

•    પ્રોજેક્ટના દસ્તાવેજો, લેઆઉટ અને મંજૂર થયેલા પ્લાન
•    બાંધકામની વિશિષ્ટતાઓ (સ્પેસિફિકેશન્સ) અને કાર્પેટ એરિયા
•    બ્રોશર અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા હિસ્સેદારોની વિગતો
•    યુનિટ બુકિંગની વર્તમાન સ્થિતિ, પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા અને પ્રગતિ અહેવાલ
•    ચુકવણી માટેનું નિર્ધારિત બેંક ખાતું અને ડ્રાફ્ટ એગ્રીમેન્ટ  

રોકાણ કરતા પહેલા યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે

આ અંગે માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, " 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' ટેબ ઉમેરવાથી હવે દરેક પ્રોજેક્ટ પેજ પર જે-તે બિલ્ડર દ્વારા ગુજરાતમાં હાથ ધરવામાં આવેલા અન્ય પ્રોજેક્ટ્સનો ઇતિહાસ પણ જોવા મળશે. આ વિભાગમાં બિલ્ડરના અન્ય પ્રોજેક્ટ્સમાં થયેલી ફરિયાદો, તેને લગતા આદેશો અને ચુકાદાની નકલો, ગુજરેરા દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિયમનકારી પગલાં કે ફટકારવામાં આવેલા દંડ તેમજ તમામ પ્રોજેક્ટ્સમાં જમા કરાવવામાં આવેલા પ્રોગ્રેસ રિપોર્ટ્સની સંખ્યાની સ્પષ્ટ વિગતો ઉપલબ્ધ રહેશે. આ પહેલથી મકાન ખરીદદારોને રોકાણ કરતા પહેલા વધુ સમજદારીપૂર્વક અને યોગ્ય નિર્ણય લેવામાં મોટી મદદ મળશે."

આ સમાચાર શેર કરો

જાહેરાત