સોનું ખરીદતા પહેલાં સાવધાન! મેકિંગ ચાર્જ પર 5% GST વસૂલાય તો લૂંટાઈ રહ્યા છો તમે, જાણો શું કહે છે અસલ નિયમ?

સોનું ખરીદતી વખતે ગ્રાહકોને ઘણીવાર મૂંઝવણ થાય છે કે જ્વેલરીની કિંમત પર 3% અને મેકિંગ ચાર્જ પર 5% GST ચૂકવવો પડે છે કે કેમ? ઘણા ગ્રાહકોને લાગે છે કે સોનાની કિંમત અને જ્વેલરી બનાવવાના ચાર્જ પર અલગ-અલગ ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે, સરકારના GST નિયમો અનુસાર, દુકાનમાંથી તૈયાર સોના, ચાંદી કે ડાયમંડની જ્વેલરી ખરીદતી વખતે સમગ્ર કિંમત પર એક જ દરે 3% GST લાગે છે. બિલમાં મેકિંગ ચાર્જ અલગ દર્શાવવામાં આવ્યો હોય તો પણ GSTનો દર બદલાતો નથી. આ નિયમને સમજવો જરૂરી છે, જેથી જ્વેલરી ખરીદતી વખતે તમારે બિનજરૂરી વધારાના પૈસા ચૂકવવા ન પડે.
1.40 લાખ રૂપિયાની જ્વેલરી પર કેટલો GST લાગશે?
ધારો કે તમે 10 ગ્રામ સોનાની ચેઇન ખરીદી છે. તેની કિંમત 1,28,000 રૂપિયા છે અને મેકિંગ ચાર્જ 12,000 રૂપિયા છે. આમ, ચેઇનની કુલ કિંમત 1,40,000 રૂપિયા થાય છે. GSTના નિયમ મુજબ, આ સમગ્ર રકમ પર 3% ટેક્સ લાગશે. આ હિસાબે તમારે 4,200 રૂપિયા GST ચૂકવવો પડશે. એટલે કે સોનાની કિંમત અને મેકિંગ ચાર્જ પર અલગ-અલગ દરે GST વસૂલવામાં આવશે નહીં.
સોના અને મેકિંગ ચાર્જ પર અલગ-અલગ GST કેમ નહીં?
ઘણા ગ્રાહકો માને છે કે સોનાની કિંમત પર 3% અને મેકિંગ ચાર્જ પર 5% GST ચૂકવવો પડે છે. જોકે, GSTના નિયમો મુજબ તૈયાર જ્વેલરીની કુલ ટ્રાન્ઝેક્શન વેલ્યૂ પર 3% GST લાગુ પડે છે. મેકિંગ ચાર્જ બિલમાં અલગ દર્શાવવામાં આવ્યો હોય કે જ્વેલરીની કુલ કિંમતમાં સામેલ હોય, તેનાથી GSTના દરમાં કોઈ ફેરફાર થતો નથી.
અલગ-અલગ GST વસૂલવામાં આવે તો કેટલું નુકસાન થશે?
આ જ 1,40,000 રૂપિયાની ચેઇનનું ઉદાહરણ લઈએ. જો જ્વેલર સોનાની કિંમત પર 3% અને મેકિંગ ચાર્જ પર 5% GST વસૂલે તો હિસાબ કંઈક આવો થાય છે.
- સોનાની કિંમત 1,28,000 રૂપિયા પર 3% GST = 3,840 રૂપિયા
- મેકિંગ ચાર્જ 12,000 રૂપિયા પર 5% GST = 600 રૂપિયા
-
કુલ GST = 4,440 રૂપિયા
જ્યારે સમગ્ર 1,40,000 રૂપિયા પર 3% GST પ્રમાણે માત્ર 4,200 રૂપિયા જ ચૂકવવાના થાય છે. એટલે અલગ-અલગ દરે GST વસૂલવામાંોલરી ખરીદતી વખતે બિલમાં GSTની ગણતરી જરૂર તપાસવી જોઈએ.
મેકિંગ ચાર્જ પર 5% GSTનો નિયમ ક્યાં લાગુ પડે છે?
મેકિંગ ચાર્જ પર 5% GSTનો નિયમ જ્વેલરી બનાવવાના કામ એટલે કે જોબવર્ક સાથે સંબંધિત છે. જ્યારે કોઈ જ્વેલરી વેપારી પોતાનું સોનું કારીગરને આપે છે અને કારીગર તેમાંથી જ્વેલરી બનાવીને પરત આપે છે, ત્યારે કારીગરની મજૂરી એટલે કે જોબ ચાર્જ પર 5% GST લાગી શકે છે. આ વ્યવહાર જ્વેલરી વેપારી અને કારીગર વચ્ચે થાય છે. દુકાનમાંથી તૈયાર જ્વેલરી ખરીદતા ગ્રાહકના GSTના હિસાબ સાથે તેને જોડવો જોઈએ નહીં. ગ્રાહક પાસેથી તૈયાર જ્વેલરીની ખરીદી વખતે મેકિંગ ચાર્જ પર અલગથી 5% GST વસૂલવાનો આ નિયમ આધાર બનતો નથી.
કારીગર GSTમાં રજિસ્ટર્ડ ન હોય તો શું થશે?
જો જ્વેલરી બનાવનાર કારીગર GSTમાં રજિસ્ટર્ડ હોય તો તે પોતાના જોબ ચાર્જ પર 5% GST વસૂલી શકે છે. જ્વેલરી વેપારી આ ટેક્સનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) પણ મેળવી શકે છે. બીજી તરફ, જો કારીગરને GST રજિસ્ટ્રેશનમાંથી છૂટ મળેલી હોય તો કેટલીક પરિસ્થિતિમાં જ્વેલરી વેપારીએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ પોતે ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ નિયમ પણ વેપારી અને કારીગર વચ્ચેના વ્યવહારને લાગુ પડે છે. તેના આધારે તૈયાર જ્વેલરી ખરીદતા ગ્રાહકના બિલમાં અલગથી 5% GST ઉમેરી શકાય નહીં.
GST 2.0 પછી પણ જ્વેલરી પર 3% જ GST
સપ્ટેમ્બર 2025માં GST 2.0 હેઠળ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે, જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે GSTનો દર 3% જ રાખવામાં આવ્યો હતો. 3 સપ્ટેમ્બર 2025ના રોજ GST કાઉન્સિલની 56મી બેઠક મળી હતી. જ્વેલરીની કુલ કિંમત પર 3% GST લાગુ કરવાનો નિયમ પણ યથાવત્ રહ્યો હતો. Invest Indiaના જેમ્સ એન્ડ જ્વેલરી FAQમાં પણ આ જ માહિતી આપવામાં આવી છે.
સોના અને ચાંદી પર 3% GST ક્યારથી લાગુ છે?
સરકારના FAQ મુજબ, સોના અને ચાંદી પર 3% GSTનો દર 1 જુલાઈ 2017થી લાગુ કરવામાં આવ્યો હતો. VATમાંથી GST વ્યવસ્થામાં ફેરફાર થયો ત્યારે બેન્કો અને નિયુક્ત એજન્સીઓ પાસે રહેલા સોના-ચાંદીના સ્ટોક પર પણ આ જ દર નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કિંમતી ધાતુઓની આયાત પર બેઝિક કસ્ટમ ડ્યૂટી ઉપરાંત 3% IGST પણ લાગુ પડે છે. બેન્કો આ ટેક્સનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી શકે છે.
જ્વેલરી ખરીદતી વખતે બિલમાં આટલું જરૂર તપાસો
જો તમે સોના, ચાંદી કે ડાયમંડની તૈયાર જ્વેલરી ખરીદી રહ્યા છો તો બિલમાં સમગ્ર કિંમત પર 3% GST લાગવો જોઈએ. ઉદાહરણ તરીકે, 2 લાખ રૂપિયાની જ્વેલરી ખરીદો તો તેના પર 6,000 રૂપિયા GST થશે. મેકિંગ ચાર્જ અલગ દર્શાવવામાં આવ્યો હોય તો પણ GSTનો દર બદલાતો નથી. જોકે, જો તમે પોતાનું સોનું આપીને જ્વેલરી બનાવડાવો છો અથવા જૂની જ્વેલરીનું સમારકામ કરાવો છો તો ટેક્સની ગણતરી અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં જ્વેલર પાસેથી બિલમાં GST કયા આધારે વસૂલવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા જરૂર માગવી જોઈએ.










