Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Biggest 25-year downturn in stock market; Rs26 lakh crore erosion in stock market in 8-week downturn, Sensex drops 6590 points!

શેરબજારમાં 25 વર્ષનો સૌથી મોટો કડાકો; 8 અઠવાડિયાની મંદીમાં શેરબજારમાં ₹26 લાખ કરોડનું ધોવાણ, સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
શેરબજારમાં 25 વર્ષનો સૌથી મોટો કડાકો;  8 અઠવાડિયાની મંદીમાં શેરબજારમાં ₹26 લાખ કરોડનું ધોવાણ, સેન્સેક્સ 6590 પોઈન્ટ તૂટ્યો!
સોર્સ : gstv

આજે બીજી ઓક્ટોબર હોવાથી ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ બંધ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી છે તેનાથી રોકાણકારો ભયભીત દેખાઈ રહ્યા છે. ભારતીય શેરબજારમાં અવિરત ધોવાણનો દૌર થમવાનું નામ લઈ રહ્યો નથી. સેન્સેક્સ અને નિફ્ટી બંને સતત 8મા અઠવાડિયે કડાકા સાથે બંધ રહ્યા, જે છેલ્લા 25 વર્ષમાં શેરબજારમાં જોવા મળેલો મંદીનો સૌથી લાંબો ગાળો છે. આ ઐતિહાસિક મંદીના વાવાઝોડામાં રોકાણકારોના આશરે ₹26 લાખ કરોડ હોમાઈ ગયા છે.

App Store

ઉલ્લેખનીય છે કે, વર્તમાન કડાકાનો સમયગાળો વર્ષ 2020ના કોવિડ ક્રેશ અને 2008ની વૈશ્વિક આર્થિક મંદી (Global Financial Crisis) કરતાં પણ વધુ લાંબો સાબિત થયો છે. જોકે, 2 ઓક્ટોબરે એટલે કે આજે ગાંધી જયંતીના લીધે શેરબજાર બંધ રહ્યું હતું. પરંતુ તે પહેલાં 1 ઓક્ટોબરે સેન્સેક્સ 570 પોઈન્ટ ગબડીને 71,909 અને નિફ્ટી 198 પોઈન્ટ ઘટીને 22421 ની નીચલી સપાટીએ બંધ રહ્યા હતા.

આંકડાની નજરે જુઓ બજારનું કેટલું ધોવાણ થયું?

છેલ્લા 8 અઠવાડિયાની સતત મંદીમાં ભારતીય શેરબજારમાં તારાજીના આંકડા નીચે મુજબ છે:

સેન્સેક્સ અને નિફ્ટી: 8 અઠવાડિયામાં નિફ્ટી 8.7 ટકા (2149 પોઈન્ટ) અને સેન્સેક્સ 8.4 ટકા (6590 પોઈન્ટ) તૂટ્યો છે.

રોકાણકારોનું નુકસાન: BSE લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન (માર્કેટ કેપ) ₹26 લાખ કરોડથી વધુ ઘટીને ₹467 લાખ કરોડની નીચે સરકી ગઈ છે.

ચાલુ સપ્તાહની સ્થિતિ: માત્ર છેલ્લા સપ્તાહમાં જ નિફ્ટીમાં 3.1 ટકા અને સેન્સેક્સમાં 2.7 ટકાનું મોટું ગાબડું નોંધાયું છે.

4 દિવસમાં વિદેશી રોકાણકારોએ ₹35000 કરોડ પાછા ખેંચ્યા!

શેરબજાર પર સૌથી મોટું દબાણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ની અંધાધૂંધ વેચવાલીનું છે.

FII વેચવાલી: 1 ઓક્ટોબરના રોજ FII એ ભારતીય શેરબજારમાંથી ₹9484 કરોડના શેર વેચી માર્યા હતા. આ સાથે જ છેલ્લા માત્ર 4 કારોબારી સત્રોમાં જ વિદેશી ફંડોએ ₹34965 કરોડ પાછા ખેંચી લીધા છે. સપ્ટેમ્બર મહિનામાં FPI ની કુલ ઈક્વિટી વેચવાલી ₹46000 કરોડ રહી હતી.

DII નો સપોર્ટ: સામે પક્ષે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DII) એ 1 ઓક્ટોબરે ₹10042 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વિદેશી વેચવાલીના તોફાન સામે અપૂરતો સાબિત થયો હતો.

વિદેશી રોકાણકારો કેમ ભાગી રહ્યા છે?

યુએસ બોન્ડ યીલ્ડમાં 2022 પછીનો રેકોર્ડ ઉછાળો

અમેરિકામાં 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની યીલ્ડ વધીને 5.33-5.34 ટકાની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ છે, જે 2022 પછીનો સર્વોચ્ચ સ્તર છે. સરકારી બોન્ડ પર ઊંચું વ્યાજ મળતાં વિદેશી રોકાણકારો શેરબજાર જેવા જોખમી સેક્ટરમાંથી નાણાં પાછા ખેંચીને સુરક્ષિત ડેબ્ટ માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે.

ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વકરેલા તણાવના કારણે ગ્લોબલ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ ફરી 100 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરતું હોવાથી મોંઘું ઓઈલ ફુગાવો અને દેશના ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) વધારશે.

રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ

ડોલર સામે રૂપિયો 0.5 ટકા ગગડીને 96.31 ના બે મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. નબળા રૂપિયાના કારણે વિદેશી રોકાણકારોને ડોલર રિટર્નમાં મોટું નુકસાન વેઠવું પડે છે.

હવે બજાર માટે કયા સંકેત?

આવનારા દિવસોમાં રોકાણકારોની નજર મુખ્યરૂપે 4 બાબતો પર રહેશે.

પ્રથમ : વિદેશી રોકાણકારનું સેલિંગ અટકે છે કે નહીં?
બીજું : અમેરિકન બોન્ડ યીલ્ડ કઈ દિશામાં આગળ વધે છે?
ત્રીજું : ક્રૂડ ઓઈલની કિંમત 100 ડૉલરની આજુબાજુ રહે છે કે ઘટે છે?
ચોથું : ડૉલર સામે રૂપિયો મજબૂત થાય છે કે વધુ તૂટે છે?