સોનાના ભાવમાં 30% નું ગાબડું પડ્યું, ગોલ્ડ લોન લેનારાઓમાં ફફડાટ

સોનાના ભાવમાં 30% નું ગાબડું પડ્યું, ગોલ્ડ લોન લેનારાઓમાં ફફડાટ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકી ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિને પગલે છેલ્લા 4 મહિનામાં સોનાના ભાવમાં અંદાજે 30 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવ ગગડતાની સાથે જ ગોલ્ડ લોન લેનારા લાખો ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગીરવે મૂકેલા સોનાનું મૂલ્ય લોનની રકમ કરતાં ઘટી જતાં બેંકો, ગોલ્ડ લોન કંપનીઓ (NBFC) અને શાહુકારો તરફથી ગ્રાહકોને તાત્કાલિક 'માર્જિન મની' જમા કરાવવા અથવા વધારાના દાગીના જમા કરવા માટે સતત નોટિસ અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.

કેવી રીતે ઊભી થઈ આ કટોકટી?

જાહેરાત

સામાન્ય રીતે ધિરાણકર્તા સંસ્થાઓ સોનાના બજાર મૂલ્યના 75 થી 85 ટકા સુધીની રકમ લોન પેટે આપે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહકે રૂ. 10 લાખના સોના સામે રૂ. 7.50 લાખની લોન લીધી હોય અને સોનાનો ભાવ 30 ટકા ઘટીને રૂ. 7 લાખ થઈ જાય, તો લોનની રકમ સોનાની વર્તમાન કિંમત કરતાં વધી જાય છે. આ તફાવતની રકમ ભરપાઈ કરવા માટે ગ્રાહકોને લોનની રકમના વધુ 30 થી 35 ટકા જેટલા માર્જિન મની રોકડમાં ચૂકવવાની ફરજ પડી રહી છે.

પારિવારિક સોનું કાયમ માટે ગુમાવવાનો ભય

ભારતમાં ગોલ્ડ લોન ઉદ્યોગ અંદાજે રૂ. 23 લાખ કરોડ સુધી પહોંચ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં તેમાં પાંચ ગણો વધારો થયો છે. બીજી તરફ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સુધારેલા નિયમો મુજબ, હવે લોન રિન્યુઅલ પહેલાં સંચિત વ્યાજ ચૂકવવું ફરજિયાત છે અને બુલેટ રિપેમેન્ટ કે વ્યાજ મુલતવી રાખવા પર પ્રતિબંધ છે. રોકડ પ્રવાહની તંગી અનુભવતા ગ્રાહકો માટે અચાનક માર્જિન મનીની વ્યવસ્થા કરવી અત્યંત કપરી બની છે. જો ગ્રાહકો આ રકમ જમા ન કરાવે તો તેમનું પારિવારિક સોનું હરાજીમાં જતું રહેશે તેવો ફફડાટ વ્યાપ્યો છે.

બેંકો કરતાં NBFC અને શાહુકારોમાં વધુ ચિંતા

નિષ્ણાતોના મતે, બેંકોના કુલ ધિરાણમાં ગોલ્ડ લોનનો હિસ્સો માત્ર 2.5 ટકા હોવાથી બેંકિંગ સિસ્ટમ પર મોટું જોખમ નથી, પરંતુ માત્ર ગોલ્ડ લોન પર નિર્ભર નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFC) ભારે દબાણ હેઠળ છે. હાલ ગોલ્ડ લોન લેનારાઓમાંથી 15 થી 25 ટકા ગ્રાહકો 60 થી 90 દિવસ સુધી હપ્તા ચૂકવી શક્યા નથી, જેના કારણે કેટલીક સંસ્થાઓની ફસાયેલી મૂડી (NPA) 5 થી 5.5 ટકા સુધી વધી ગઈ છે. જો 90 દિવસથી વધુ સમય સુધી હપ્તા જમા નહીં થાય, તો આ રકમ સંપૂર્ણપણે NPA ની કક્ષામાં આવી જશે, જેનાથી નાના પરિવારોની હાલાકી વધુ વકરી શકે છે.

 

આ સમાચાર શેર કરો

જાહેરાત