રોકાણકારો માટે મોટા સમાચાર: પ્રી-IPO શેર્સના ટ્રેડિંગ માટે બનશે અલગ એક્સચેન્જ! ગ્રે માર્કેટ પર લગામ

રોકાણકારો માટે મોટા સમાચાર: પ્રી-IPO શેર્સના ટ્રેડિંગ માટે બનશે અલગ એક્સચેન્જ! ગ્રે માર્કેટ પર લગામ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

મૂડી બજાર નિયામક તંત્ર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ભારતીય શેર બજારમાં પ્રી-આઈપીઓ શેરોના વ્યવહારોને વધુ પારદર્શક અને નિયમનબદ્વ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. સેબી હવે પ્રી-આઈપીઓ શેરના ટ્રેડિંગ માટે અલગ એક્સચેન્જ અથવા વિશેષ ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે. આ અંગેનો પ્રસ્તાવ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં સેબી દ્વારા કન્સલ્ટેશન પેપર જારી કરવામાં આવે એવી શકયતા છે.

સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન ભારતમાં આઈપીઓ માર્કેટમાં નોંધપાત્ર વિસ્તરણ થયું છે. આ બદલાતી બજાર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સેબી વિવિધ સુધારાત્મક પગલાં પર વિચાર કરી રહ્યું છે. જેમાં પ્રી-આઈપીઓ શેરના વ્યવહારો માટે અલગ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભું કરવાનો વિચાર પણ સામેલ છે.

જાહેરાત

હાલમાં ઘણી કંપનીઓ શેર બજારમાં આઈપીઓ લાવે તે પહેલા તેમના શેરનું વેચાણ ખાનગી વ્યવહારો-સોદા મારફતે કરે છે. આવા શેરને સામાન્ય રીતે પ્રી-આઈપીઓ અથવા અનલિસ્ટેડ શેર તરીકે ઓળખવામાં આવે છે. આ શેરમાં રોકાણ કરવા માટે રોકાણકારોને સામાન્ય રીતે બ્રોકર્સ, મધ્યસ્થીઓ અથવા અનલિસ્ટેડ શેરના વ્યવહારો કરાવતી સંસ્થાઓનો સહારો લેવો પડે છે. આ વ્યવહારોમાં પારદર્શિતા, શેરના યોગ્ય ભાવની જાણકારી, કંપનીની નાણાકીય સ્થિતિ અને રોકાણકારોના હિતોની સુરક્ષા જેવા મુદ્દાઓ મહત્વના બની રહે છે.

સેબી હવે આઈપીઓ લાવવાની તૈયારી કરી રહેલી કંપનીઓના શેરના વ્યવહારો માટે એક અલગ વ્યવસ્થા ઊભી કરવાની શક્યતા તપાસી રહ્યું છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો આઈપીઓ પહેલા કંપનીના શેર ખરીદવા અને વેચવા ઈચ્છતા રોકાણકારોને વધુ વ્યવસ્થિત અને નિયંત્રિત માળખું મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સેબીના પ્રસ્તાવમાં સૌથી મહત્વની બાબત એ છે કે, આ પ્લેટફોર્મ સમગ્ર અનલિસ્ટેડ માર્કેટ માટે નહીં હોય. સેબી ચેરમેને સ્પષ્ટ કર્યું હતું કે, સેબીનો ઉદ્દેશ લાખો અનલિસ્ટેડ કંપનીઓના શેરના વ્યવહારોને આ વ્યવસ્થામાં સામેલ કરવાનો નથી. 

આ પ્રસ્તાવનો વ્યાપ માત્ર એવી કંપનીઓ સુધી મર્યાદિત રહેશે, જે શેર બજારમાં આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી હોય. એટલે કે, જે કંપનીઓનો નજીકના ભવિષ્યમાં આઈપીઓ લાવવાનો કોઈ ઈરાદો નથી, અથવા જે કંપનીઓ આઈપીઓ પ્રક્રિયા સાથે જોડાયેલી નથી, તેમના શેરને આ પ્રસ્તાવિત પ્લેટફોર્મ હેઠળ લાવવાની સેબીની હાલમાં કોઈ યોજના નથી. આ સ્પષ્ટતા સૂચવે છે કે, સેબી સમગ્ર અનલિસ્ટેડ શેર બજારને નિયંત્રિત કરવાને બદલે આઈપીઓ પહેલાના શેર વ્યવહારો માટે ચોક્કસ નિયમનકારી વ્યવસ્થા ઊભી કરવા માગે છે.

પ્રી-આઈપીઓ શેરમાં રોકાણ કરતી વખતે રોકાણકારોને ઘણી વખત કંપનીની સાચી નાણાકીય સ્થિતિ, શેરનું યોગ્ય મૂલ્યાંકન, શેરની ઉપલબ્ધતા અને વેચાણની શરતો અંગે પૂરતી માહિતી મળતી નથી. આ ઉપરાંત, અનલિસ્ટેડ શેરમાં લિક્વિડિટી-પ્રવાહિતા ઓછી હોવાને કારણે જરૂરિયાતના સમયે શેર વેચવામાં મુશ્કેલી પડી શકે છે. 


સેબી ચેરમેને જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત વ્યવસ્થાની રચના કરતી વખતે રોકાણકારોના હિતોનું રક્ષણ સૌથી મહત્વપૂર્ણ રહેશે. આ માટે નિયમનકારી માળખું તૈયાર કરવું પડશે. તેમાં રોકાણકારો માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને કંપનીઓ તરફથી વધારાની માહિતી જાહેર કરવાની ફરજ જેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે.

કંપનીઓએ રોકાણકારોને કઈ માહિતી આપવી, શેરના વ્યવહારો કેવી રીતે થશે, ભાવમાં પારદર્શિતા કેવી રીતે જાળવવી અને રોકાણકારોની ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે લાવવું જેવા મુદ્દાઓ પર પણ નિયમો ઘડવાની જરૂર પડી શકે છે. જો કે, આ તમામ બાબતો અંગે અંતિમ નિર્ણય કન્સલ્ટેશન પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.


અત્રે નોંધનીય છે કે, પ્રી-આઈપીઓ શેરના ટ્રેડિંગ માટે અલગ પ્લેટફોર્મ બનાવવાની સેબીની તૈયારી એવા સમયે આવી છે, જ્યારે તાજેતરમાં જ સેબીએ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ (જીએમપી) અંગે રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત