સોનાના ભાવમાં એક જ મહિનામાં ₹22 હજારનો કડાકો; હવે ખરીદવું ફાયદાકારક કે હજુ રાહ જોવી? જાણો નિષ્ણાંતોનો મત

છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં અંદાજે રૂ. 22,000નો ઘટાડો નોંધાયો છે. લગ્નની સિઝન શરૂ થાય તે પહેલાં જ ભાવ ઘટવા લાગતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, ભાવમાં ઘટાડા બાદ હવે પણ લોકોમાં થોડી મૂંઝવણ છે કે સોનું ખરીદવું કે હજુ પણ થોડી રાહ જોવી?
એકસાથે સંપૂર્ણ ખરીદી કરવાને બદલે તબક્કાવાર ખરીદી કરવાની નિષ્ણાતોની સલાહ
સોનાના ભાવમાં ઘટાડા બાદ અત્યારે સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે નહીં? નિષ્ણાતોના મતે એકસાથે આખું સોનું ખરીદવાને બદલે ધીમે-ધીમે ખરીદી કરવી વધુ સમજદારીભર્યું પગલું છે. તેનું મુખ્ય કારણ એ છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ વધઘટ થઈ શકે છે. અમેરિકામાં મોંઘવારી અને ત્યાંની કેન્દ્રીય બેંક (ફેડરલ રિઝર્વ)ના વ્યાજદર અંગેની આશંકાઓને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
MCX પર રૂ. 1,17,900નો સપોર્ટ લેવલ, ભાવ રૂ. 1 લાખ નીચે જવાની શક્યતા ઓછી
માર્કેટ એક્સપર્ટના મતે MCX પર સોનાના ભાવ માટે રૂ. 1,17,900 પ્રતિ 10 ગ્રામનું સ્તર મહત્ત્વપૂર્ણ છે. હાલના સંજોગોમાં સોનાના ભાવ રૂ. 1 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે જવાની શક્યતા ઓછી હોવાનું તેમનું માનવું છે. જે લોકોને લગ્ન અથવા અન્ય અંગત જરૂરિયાત માટે સોનું ખરીદવાનું હોય તેઓ ભાવમાં થયેલા આ ઘટાડાનો લાભ લઈ શકે છે. જોકે, એકસાથે સંપૂર્ણ ખરીદી કરવાને બદલે અલગ-અલગ સમયે થોડું-થોડું સોનું ખરીદવું જોઈએ.
લગ્ન કે ભવિષ્યની જરૂરિયાત માટે હાલના ઘટાડામાં ખરીદી શરૂ કરી શકાય
જો તમારા પરિવારમાં લગ્ન પ્રસંગ હોય અથવા તમે ભવિષ્ય માટે પણ સોનું ખરીદવા માંગતા હો, તો હાલના ભાવ ઘટાડા દરમિયાન ખરીદી શરૂ કરી શકો છો. પરંતુ નિષ્ણાતોની સલાહ ધ્યાનમાં રાખીને એકસાથે સંપૂર્ણ રકમ સોનામાં રોકવાને બદલે અલગ-અલગ સમયે થોડું-થોડું સોનું ખરીદવું વધુ યોગ્ય રહેશે.
વધુ ઘટાડાની રાહ જોવામાં ખરીદી ટાળવી નહીં
નોંધનીય છે કે સોનાના ભાવમાં વધુ ઘટાડાની રાહ જોઈને ખરીદીને ખૂબ લાંબા સમય સુધી ટાળવી સમજદારીભર્યું નથી. કારણ કે સોનાના ભાવમાં સતત અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કેટલાક નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે વર્ષ 2027માં સોનાના ભાવ ફરી વધી શકે છે. જો કે, ખરીદી કરતી વખતે સોનાના વાયદા બજારમાં હાલ મોટું જોખમ લેવાનું ટાળવું જોઈએ.






