ટેરિફની ચીમકી છતાં શેરબજારમાં તોફાની તેજી! સેન્સેક્સ 1502 પોઈન્ટ ઉછળ્યો, 9 મહિનાની ટોચે પહોંચ્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચાઈના સહિતના દેશો પર ફરી ટેરિફ વધારવાની આપેલી ચીમકીનું સૂરસુરિયું કરી મૂકી ભારતીય શેર બજારોએ આ ચીમકીને ઢેંગો બતાવી આજે તોખાર તેજી કરી મૂકી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ શેરોમાં અવિરત ધૂમ ખરીદી કરીને આજે ફરી ઈન્ટ્રા-ડે સેન્સેક્સને 84,400ની સપાટી અને નિફટીને 25,900ની સપાટી પાર કરાવી હતી.
અમેરિકી ડોલર સામે રૂપિયો આજે 69 પૈસા સુધરીને 92.23 થઈ જતાં અને ક્રુડના ભાવમાં પણ ઘટાડાની પોઝિટીવ અસર બજારમાં જોવાઈ હતી. ટ્રેડિંગની શરૂઆતમાં ફંડોએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી ફ્રન્ટલાઈન શેરોમાં આક્રમક ખરીદી સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજીનું તોફાન મચાવ્યું હતું. આરંભમાં 2062.22 પોઈન્ટની છલાંગે ઉપરમાં 84,498.21 સુધી પહોંચી ગયો હતો. જે વધ્યામથાળેથી આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ પાછળ હેમરિંગે આરંભિક મોટો સુધારો ધોવાતો જોવાયો હતો. પરંતુ ફરી ફંડોએ એફએમસીજી હેવીવેઈટ શેરોમાં આક્રમક તેજી કરતાં અને ફાઈનાન્સ-બેંકિંગ, હેલ્થકેર શેરોમાં તેજીના જોરે સેન્સેક્સ અંતે 1502.29 પોઈન્ટના ઉછાળે 83,938.28 નવ મહિનાની ઊંચાઈએ બંધ રહ્યો હતો. નિફટી 50 સ્પોટ ઈન્ડેક્સ ઉપરમાં 25,951.65 સુધી ઉછળી અંતે 469.60 પોઈન્ટની છલાંગે 25,819.25 નવ મહિનાની ઊંચાએ બંધ રહ્યો હતો.
બેંકેક્સ 1226 ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે અવિરત આક્રમક ખરીદી કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.54.60 ઉછળીને રૂ.1640, એચડીએફસી બેંક રૂ.26 વધીને રૂ.844, એક્સિસ બેંક રૂ.29 વધીને રૂ.1418.85, કોટક મહિન્દ્રા બેંક રૂ.5.50 વધીને રૂ.508.50, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.7.10 વધીને રૂ.1138.20 રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ 1226.41 પોઈન્ટની છલાંગે 71,637.22 બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં મોટી ખરીદી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે છેલ્લા કલાકમાં મોટી ખરીદી થતાં ઝડપી રિકવરી જોવાઈ હતી. કોપરાન રૂ.25.20 ઉછળીને રૂ.290.10, બજાજ હેલ્થકેર રૂ.26.25 વધીને રૂ.345.85, સનોફી રૂ.105.95 વધીને રૂ.3468, મેનકાઈન્ડ રૂ.67.35 વધીને રૂ.2682 રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ 776.49 પોઈન્ટ વધીને 53,933.50 બંધ રહ્યો હતો.
FMCG શેરોમાં આક્રમક ખરીદી
FMCG શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. દેશમાં વિવિધ કૃષિ ચીજોના ભાવોમાં તેજીનો સટ્ટો વિખેરાવા લાગતાં અન્ન ફુગાવો અંકુશમાં આવવાની અપેક્ષાએ આજે FMCG શેરોમાં ફંડોએ સિલેક્ટિવ મોટી ખરીદી કરી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.120.05 ઉછળીને રૂ.2141, ડાબર રૂ.29.50 વધીને રૂ.429.10, ગોદરેજ કન્ઝયુમર રૂ.49 વધીને રૂ.961, બ્રિટાનીયા રૂ.239.95 વધીને રૂ.5075, ટાટા કન્ઝયુમર રૂ.49 વધીને રૂ.1184, રહ્યા હતા. બીએસઈ FMCG ઈન્ડેક્સ 567.78 પોઈન્ટની છલાંગે 18,663.19 બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ
વૈશ્વિક એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત કંપનીઓના શેરોમાં કડાકો બોલાઈ જવા સામે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે આરંભમાં આક્રમક ખરીદી થઈ હતી. જો કે ઉછાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. ટીસીએસ રૂ.57.60 વધીને રૂ.2515, ઈન્ફોસીસ રૂ.24.90 વધીને રૂ.1129, એમ્ફેસીસ રૂ.54 વધીને રૂ.2524 રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ 258.84 પોઈન્ટ વધીને 30,374.40 બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તેજી
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ થયું હતું. અપોલો ટાયર રૂ.16.25 વધીને રૂ.437.15, હીરો મોટોકોર્પ રૂ.208 વધીને રૂ.5743, આઈશર મોટર્સ રૂ.168.50 વધીને રૂ.8330.50, બજાજ ઓટો રૂ.201 વધીને રૂ.10,860 રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ 403.75 પોઈન્ટ વધીને 63,250.29 બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરો વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવીને બ્રેન્ટના 90.93 ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના 81.34 ડોલર નજીક આવી જતાં અને અમેરિકી ડોલર 69 પૈસા નબળો પડતાં ઓઈલ કંપનીઓને ફાયદો થવાની અપેક્ષાએ ફંડોની શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી.
એચપીસીએલ રૂ.6.20 વધીને રૂ.391.20, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.20.10 વધીને રૂ.1372.60, આઈઓસી રૂ.2 વધીને રૂ.147.40, બીપીસીએલ રૂ.3.25 વધીને રૂ.309.40 રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 187.68 પોઈન્ટ વધીને 26,668.89 બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં વેચવાલી
સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી તોફાની તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં વ્યાપક નફારૂપી વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી 4690 સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા 1901 અને ઘટનારની સંખ્યા 2546 રહી હતી.
DIIની રૂ.4018 કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.4479.08 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.4018.72 કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ વધી
સેન્સેક્સ, નિફટી બેઝડ આક્રમક તેજીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.3.50 લાખ કરોડ વધીને રૂ.512.48 લાખ કરોડ રહ્યું હતું.








