સોના-ચાંદીના ભાવમાં ભારે ગાબડું: સોનું રૂ.4,302 સસ્તું, ચાંદીમાં રૂ.8,584નો જંગી ઘટાડો

બુધવારે કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે બંને કિંમતી ધાતુઓ પર સતત દબાણ રહેતા ઘરેલુ વાયદા બજારમાં પણ ભારે વેચવાલી નીકળી છે. રાત્રે 9.00 વાગ્યાના લેટેસ્ટ ટ્રેડિંગ આંકડા મુજબ, 4 ડિસેમ્બર 2026ના વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે.
MCX પર સોનાના ભાવમાં રૂ.4,302નો ઘટાડો
MCX પર 4 ડિસેમ્બર 2026 ના ફ્યુચર ગોલ્ડના ભાવમાં રાત્રે 9.00 વાગ્યા સુધીમાં રૂ.4,302 નો મોટો ઘટાડો થયો છે. પાછલા બંધ ભાવ રૂ.1,22,329.00ની સામે સોનું રૂ.1,21,900.00 પર ખૂલ્યું હતું. દિવસ દરમિયાન તે રૂ.1,22,120.00ની ઊંચી સપાટી અને રૂ.1,17,906.00 ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ રાત્રે 9.00 વાગ્યે રૂ.1,18,027 પર ટ્રેડ કરી રહ્યું છે.
MCX પર ચાંદી રૂ.8,584 તૂટી
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે. MCX પર 4 ડિસેમ્બર 2026 ના ફ્યુચર સિલ્વરનો પાછલો બંધ ભાવ રૂ.1,45,438.00 હતો, જેની સામે તે રૂ.1,45,003.00 પર ખૂલી હતી. ટ્રેડિંગ દરમિયાન ચાંદી રૂ.1,45,386.00 ના હાઈ અને રૂ.1,36,712.00 ના લો લેવલ સુધી ગઈ હતી. રાત્રે 9.00 વાગ્યે ચાંદી રૂ.8,584 ના જંગી ઘટાડા સાથે રૂ.1,36,854 પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીમાં ભારે વેચવાલી
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ છે. વૈશ્વિક બજારમાં સોનું 86.95 ડોલર પ્રતિ ઔંસ અથવા 2.39% ઘટીને 3,476.55 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદી 4.07% ના ઘટાડા સાથે 39.105 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળના મુખ્ય કારણો
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવને લઈને ઊભી થયેલી નવી ચિંતા અને અમેરિકાની નવી ટેરિફ ધમકીઓને કારણે ફાઇનાન્શિયલ માર્કેટમાં અનિશ્ચિતતા વધી છે. ટેરિફ સંબંધિત નવા ડેવલપમેન્ટની અસર ગ્લોબલ ઇક્વિટી માર્કેટ પર પણ પડી છે, જેના કારણે રોકાણકારો જોખમી એસેટ્સમાં પોતાના રોકાણનું ફરીથી મૂલ્યાંકન કરી રહ્યા છે. આ ઉપરાંત, ડિસેમ્બર મહિનામાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધુ એક વધારો થવાની આશંકાથી પણ સોના અને ચાંદીના ભાવ પર નકારાત્મક અસર પડી રહી છે. બીજી તરફ, વૈશ્વિક સપ્લાય સરપ્લસની ચિંતાઓને કારણે ક્રૂડ ઓઈલના ભાવ તાજેતરના ઊંચા સ્તરેથી નીચે આવ્યા છે, જેનાથી ભૂરાજકીય જોખમ પ્રીમિયમ થોડું ઓછું થયું છે, જોકે હોર્મુઝ જળમાર્ગને લઈને જોખમ હજુ પણ યથાવત છે.










