"વિધેયક પાછું ખેંચો નહીંતર..." ગુજરાત ભાડા બિલ-2026 સામે બાર કાઉન્સિલ લાલઘૂમ, 5 ઓક્ટોબરથી અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન!

રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં રાજયભરની કોર્ટમાં વકીલો છેલ્લા 3 દિવસથી આંદોલન પર ઉતર્યા છે. જેને ધ્યાનમાં રાખીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સંજ્ઞાન લઈ અસાધારણ સભા બોલાવી હતી. જેમાં સરકાર દ્વારા ભાડા વિધેયક પાછું ન ખેંચાય ત્યાં સુધી રાજયભરની તમામ અદાલતોમાં 5 ઓક્ટોબર સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. તેમજ તમામ બારના વકીલો કોર્ટ કેમ્પસની બહાર પ્રદર્શન અને દેખાવો કરશે.
ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ વકર્યો
બાર કાઉન્સિલે આ ભાડા વિધેયક સંદર્ભે રાજ્ય સરકારને તુરંત યોગ્ય કાર્યવાહી કરવા અને આ એક્ટ સંદર્ભે જયુડિશિયરીને સત્તા આપે તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને મળી આવેદનપત્ર આપવા જશે.
5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે
ભાડા વિધેયકના કારણે વકીલો, પક્ષકારો તથા સામાન્ય જનતાને અનેક મુશ્કેલીઓ પડશે. જેને ધ્યાનમાં રાખી બીસીજી દ્વારા અનેક ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. એડમીનીસ્ટ્રેટીવ વિભાગ પાસે સરકાર તરફથી ઘણી બધી જવાબદારીઓ આપવામાં આવતી હોય છે. તેમની પાસે સમયનો અભાવ પણ હોય છે. વિધેયક અનુસંધાને પુરાવો લેવાની બાબત તથા પુરાવાઓનુ મૂલ્યાંકન કરવાની બાબત, તેમજ સ્મોલ કોઝ જજ પાસે તકરારનુ નિરાકરણ અને એડમીનીસ્ટ્રેટીવ ઓથોરિટી દ્વારા તકરારનુ થાય તેના ફાયદા અને ગેરફાયદા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સિેટી સિવિલ એન્ડ સ્મોલ કોઝ કોર્ટ બારના વકીલો સોમવારે(5 સપ્ટેમ્બર) બાઈક રેલી કાઢી મેટ્રો કોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જશે. અને ત્યાંથી ઈન્કમટેકસ ચાર રસ્તા પાસે ગાંધીજીના સ્ટેચ્યુ જવાના છે. ભાડા વિધેયકના છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વિરોધ અને હડતાળના કારણે રાજયભરની કોર્ટેમાં કાનૂની કાર્યવાહી ઠપ થઈ ગઈ છે. જેના કારણે હજારો કેસોમાં મુદત પડવાની સાથે અસર થઈ છે.

